જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપરના વિસ્તારમાં રહેતી યુવતી તાવમાં પટકાતા તબિયત લથડતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા એબીવીપી ભવનની ‘એ’ વિંગમાં ફલેટ નંબર 408માં રહેતાં પ્રશાંતભાઇ કનખરા નામના યુવાનની પત્ની મહેકબેન કનખરા (ઉ.વ.21) નામની યુવતીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી લાગતી હોય અને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ તબિયતમાં સુધારો ન થતાં અન્ય હોસ્પિટલમાં સારવાર માટે અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત વધુ ખરાબ થવાથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું સોમવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે દીપકભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. વાય. એન. સોઢા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.


