જામનગર શહેરમાં વિકટોરિયા પુલ નજીક ભાડાના પૈસાની બાબતે યુવાન ઉપર પાંચ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો ઇશાકભાઇ ઈસ્માઇલભાઇ નાઇ (ઉ.વ.40) નામનો યુવાન ગત્ તા. 19ના બપોરના સમયે વિકટોરિયા પુલના છેડે આવેલા સુરેશ કમાન ગેરેજવાળા પાસે બહાર ટેબલ ઉપર બેઠો હતો ત્યારે અકબર ચૌહાણ નામના શખ્સે આવીને ઇશાકને કહ્યું કે, ‘ભાડું આવ્યું છે, પૈસા લાવ.’ જેથી ઇશાકે, ‘મારે ગાડીનું કામ કરાવવું છે, પૈસા નથી.’ તેમ જણાવતા અકબર ચૌહાણે તેના પુત્ર અને શબ્બીર ચૌહાણ સાથે ફરીથી આવીને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડીવાર પછી અફઝલ ચૌહાણ અને ઝીણીયો સમા નામના બે શખ્સોએ ઇશાક પાસે આવીને ગાળો કાઢી, ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જતા જતા અહીંયા રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરાતા હે.કો. એસ. એ. મકવા તથા સ્ટાફએ ઇશાકના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.