ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન અને રાત્રિ રોકાણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં મુકાઈ ગયું છે. વડાપ્રધાનના બંદોબસ્તને લઈને શહેરમાં વિશેષ સુરક્ષા અને અગ્નિસુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની તમામ ટીમો ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિતના વિવિધ શહેરો અને તાલુકાઓમાંથી પણ ફાયર વિભાગનો સ્ટાફ જામનગર ખાતે બોલાવી લેવામાં આવ્યો છે. હાલ કુલ 200થી વધુ ફાયર કર્મચારીઓ અને અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની રાહબરી હેઠળ સમગ્ર વ્યવસ્થા સંચાલિત થઈ રહી છે. વડાપ્રધાનના કોન્વે સાથે ફાયર ફાઈટર, ફાયર જીપ સહિતના પાંચ વિશેષ ફાયર વાહનો ગોઠવવામાં આવ્યા છે, જેમાં સાત ફાયર અધિકારીઓ અને જવાનો સતત તૈનાત રહેશે.
View this post on Instagram
વડાપ્રધાનનું જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ નિર્ધારિત હોવાથી ત્યાં પણ વિશેષ અગ્નિસુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સર્કિટ હાઉસની અંદર એસપીજી કમાન્ડો સાથે ફાયર બ્રિગેડના પાંચ જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. આ જવાનો માટે ખાસ ફાયર સેફ્ટી સાધનોની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સાથે સાથે સર્કિટ હાઉસની સંપૂર્ણ ફાયર લાઈન, હાઈડ્રન્ટ સિસ્ટમ અને અન્ય સુરક્ષા સાધનોની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત સર્કિટ હાઉસની બહાર પણ વધારાના છ ફાયર જવાનોને બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા છે.
આ દરમિયાન જામનગરના લાખોટા તળાવમાં પણ બે ફાયર રેસ્ક્યુ બોટ ઉતારવામાં આવી છે, અને તેમાં દસ જેટલા ફાયર જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય.
જામનગર મહાનગરપાલિકાના તમામ ફાયર વાહનો ઉપરાંત અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાંથી દસથી વધુ ફાયર વાહનો જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે. સાથે સાથે અન્ય દસથી વધુ ફાયર અધિકારીઓને પણ આ વિશેષ બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે.
વડાપ્રધાનના પ્રવાસને લઈને છેલ્લા બે દિવસથી સમગ્ર ફાયર તંત્ર સતત સક્રિય રહી શહેરભરમાં સુરક્ષા અને અગ્નિસુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા સંભાળી રહ્યું છે.
૧૦૮ ની પાંચ એમ્બ્યુલન્સ સાથે ૧૫ થી વધુ સ્ટાફ તૈનાત
ફાયર તંત્રની સાથે સાથે 108 ની ટીમ પણ પીએમ રૂટ બંદોબસ્ત માં જોડાઇ છે, અને જુદી જુદી પાંચ ફાયર એમ્બ્યુલન્સને પણ તૈનાતમાં રાખવામાં આવી છે, અને પી.એમ.ના કોન્વેયના રૂટમાં તેમજ અલગ અલગ સ્થળો ઉપર 108 ની એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી છે. જેમાં પણ પંદરથી વધુ નો સ્ટાફ હાજર રખાયો છે.


