જામનગર શહેરના દરેડ ફેઇઝ 3 વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરમાં રાજ્યના જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલું મેગા ઓપરેશન સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલી 20 જેટલી જીએસટી ટીમોએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક એકમો, કારખાનાઓ અને વેપારી પેઢીઓમાં સઘન સર્વે અને તપાસ શરૂ રાખી છે.વિશેષ નોંધનીય બાબત એ છે કે રવિવારના દિવસે પણ જીએસટી વિભાગની કામગીરી અવિરત ચાલુ રહી હતી, જેના કારણે સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિભાગ દ્વારા આર્થિક વ્યવહારો, ખરીદી-વેચાણના રેકોર્ડ, બિલિંગ સિસ્ટમ, ટેક્સ સંબંધિત દસ્તાવેજો તેમજ કંપનીઓના નાણાકીય હિસાબોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન બેનામી હિસાબો, બોગસ બિલિંગ, કાગળ પર ચાલતી કંપનીઓના નામે થતો વહીવટ અને કરચોરી સંબંધિત પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જીએસટી અધિકારીઓ દ્વારા વિવિધ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મેગા ઓપરેશનમાં ખાસ કરીને બ્રાસ ઉદ્યોગ, બ્રાસના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ, ઉદ્યોગકારો અને કારખાનેદારો તપાસના કેન્દ્રમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એકસાથે મોટી સંખ્યામાં ટીમો મેદાનમાં ઉતરતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી છે અને વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જીએસટી વિભાગ દ્વારા જીઆઇડીસી, ફેઇઝ 3માં આવેલા માંડોવારા ટ્રેડિંગ કંપનીમાંથી ખોટી વેરા શાખની ચોરીનું કૌભાંડ ઝડપાયું. આ ચોરીમાં રૂા. 23.08 કરોડના કૌભાંડમાં આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મુલચંદ્ર શાહ નામના પિતા-પુત્રની ધરપકડથી બ્રાસપાર્ટના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
View this post on Instagram


