Monday, August 3, 2026
Homeવિડિઓખીમરાણા વેટલેન્ડ કામમાં કાગળ પર વિકાસ, જમીન પર સવાલ? - VIDEO

ખીમરાણા વેટલેન્ડ કામમાં કાગળ પર વિકાસ, જમીન પર સવાલ? – VIDEO

આરટીઆઈમાં બે કામ મંજૂર અને પૂર્ણ દર્શાવાયા, અધિકારી કહે એક જ કામ થયું; અરજદારે તટસ્થ તપાસની ઉઠાવી માંગ

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત વેટલેન્ડ બનાવી ગામના ગંદા અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે મંજૂર થયેલા કામોને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અને અધિકારીઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતા સમગ્ર મામલે ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકારી રેકોર્ડમાં બે અલગ-અલગ સ્થળે વેટલેન્ડનું કામ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે અને લાખો રૂપિયાનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં એક સ્થળે કામ થયુ છે, તેમજ થયેલું કામ પણ યોગ્ય રીતે ઉપયોગી નથી.

- Advertisement -

ખીમરાણા ગામના અગ્રણી વિઠ્ઠલભાઈ માંડવીયાને ગામમાં થયેલા વેટલેન્ડના કામ અંગે શંકા જતાં તેમણે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સમગ્ર કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વિભાગ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોના અભ્યાસ બાદ તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે કે કાગળ પર બે અલગ-અલગ સ્થળે વેટલેન્ડના કામ મંજૂર બતાવવામાં આવ્યા છે. બંને કામ પૂર્ણ થયાનું દર્શાવી તેના કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે અને સરકારી નાણાંનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

અરજદારના જણાવ્યા મુજબ આરટીઆઈમાં મળેલી માહિતીમાં ગામની ગ્રામ પંચાયત કચેરી પાછળ તેમજ કુમારશાળા નજીક એમ બે અલગ-અલગ સ્થળે વેટલેન્ડના કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ્તાવેજોમાં બંને કામ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું હોવા છતાં વાસ્તવિક સ્થિતિ તેની વિરુદ્ધ હોવાનું તેઓ કહે છે. તેમનો આક્ષેપ છે કે એક સ્થળે કોઈ પ્રકારનું વેટલેન્ડ બનાવવામાં આવ્યું જ નથી, જ્યારે બીજા સ્થળે થયેલું કામ પણ યોજના મુજબ અસરકારક અને ઉપયોગી નથી.

અરજદારનું કહેવું છે કે જે સ્થળ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ત્યાં સ્થળ પર કોઈ પ્રકારની કામગીરી જોવા મળતી નથી. તેમ છતાં કાગળ ઉપર કામ પૂર્ણ દર્શાવી સરકારી ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તેમના મતે આ સમગ્ર મામલામાં માત્ર દસ્તાવેજી કામગીરી કરીને સરકારી નાણાંનો ખર્ચ બતાવવામાં આવ્યો હોવાની આશંકા ઉભી થાય છે.

- Advertisement -

માહિતી મુજબ આ કામ પૈકી એક માટે અંદાજે રૂ. 2,79,342 જેટલી રકમનું ચૂકવણું પણ કરવામાં આવ્યું હોવાનું દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. અરજદારનો પ્રશ્ન છે કે જો કામ વાસ્તવમાં થયું જ નથી તો સરકારી નાણાં કોના આધારે ચૂકવવામાં આવ્યા અને કમ્પ્લીશન સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું?

બીજી તરફ સમગ્ર મામલે તાલુકા પંચાયત કચેરીની સ્વચ્છ ભારત મિશન શાખાના એન્જિનિયર યુવરાજસિંહ જાડેજાએ અલગ જ દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ ખીમરાણા ગામમાં બે નહીં પરંતુ માત્ર એક જ વેટલેન્ડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયતની માંગણીને ધ્યાનમાં રાખીને મૂળ સ્થળને બદલે અન્ય સ્થળે આ કામ કરવામાં આવ્યું હતું.

અધિકારીના આ નિવેદન અને આરટીઆઈ હેઠળ આપવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલી વિગતો વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ સામે આવતો હોવાનું અરજદારનું કહેવું છે. એક તરફ અધિકારી માત્ર એક જ કામ થયાની વાત કરે છે, જ્યારે બીજી તરફ વિભાગ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોમાં બે અલગ-અલગ સ્થળે કામ મંજૂર અને પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે. આ વિસંગતતા અનેક સવાલો ઉભા કરે છે.

અરજદાર વિઠ્ઠલભાઈ માંડવીયાએ માંગ કરી છે કે સમગ્ર મામલે કોઈપણ સ્થાનિક અધિકારીને બદલે તટસ્થ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન કાગળ પર કામ દર્શાવી સરકારી નાણાંની ગેરરીતિ થઈ હોવાનું બહાર આવે તો તેમાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.

આ સમગ્ર મામલામાં હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આરટીઆઈમાં આપવામાં આવેલી માહિતી સાચી હોય તો જમીન પર કામ ક્યાં ગયું? અને જો અધિકારીઓનો બચાવ સાચો હોય તો પછી સત્તાવાર દસ્તાવેજોમાં બે કામો કેવી રીતે નોંધાયા? આ સવાલોના જવાબ માત્ર નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હવે જોવાનું તે રહ્યું કે આ સમગ્ર મામલે કોઈ તપાસ થશે કે કેમ અને સમગ્ર સત્ય ક્યારે બહાર આવશે?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular