Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયખોટાડા નેતાઓને બે વર્ષની સજાની માગ

ખોટાડા નેતાઓને બે વર્ષની સજાની માગ

મુખ્ય ચૂંટણી કમિશનરનો કાયદા મંત્રીને પ્રસ્તાવ : ખોટી માહિતી બદલ ચૂંટણી લડવા પર છ વર્ષનો પ્રતિબંધ, મતદાર યાદીને આધાર સાથે લિંક કરવા પણ ભલામણ

- Advertisement -

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો છે અને ચૂંટણી સંલગ્ન જેટલા પણ પડતર મામલા છે તેનો નિકાલ કરવા માટે વિનંતી કરી છે. સાથે એવી પણ અપીલ કરી છે કે જે પણ નેતાઓ ચૂંટણી પૂર્વે જે સોગંદનામામાં માહિતી આપે છે તે જો ખોટી હોય તો તેવા કેસમાં જે તે નેતાને બે વર્ષની સજા થવી જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનરે આ પત્ર ગત મહિને જ લખ્યો હતો અને તેમાં તેમણે એવી વિનંતી કરી હતી કે ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો જે ખોટી માહિતી આપે છે તે બદલ તેમને બે વર્ષની સજા થાય તેવો કાયદામાં સુધારો કરવો જોઇએ. આ ઉપરાંત આવા ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનરે સાથે એવી પણ માગણી કરી છે કે ચૂંટણી પ્રચારના અંતિમ દિને અને મતદાનના દિવસે કોઇ પણ સમાચાર પત્રમાં રાજકીય જાહેરાત આપવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવે. આમ કરવાથી મતદારો પ્રભાવિત થતા અટકી શકે છે. હાલ માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ આ પ્રકારની જાહેરાત આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે પણ મતદાન પુરૂ થાય તેના 48 કલાક પૂર્વે લગાવાયો છે. હવે તેમાં પ્રિન્ટ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવે તેવો પ્રસ્તાવ ચૂંટણી કમિશનરે કાયદા મંત્રીને સોપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે મોકલેલા પ્રસ્તાવમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જે મતદારો છે તેમની મતદાર યાદીને આધાર કાર્ડ સાથે પણ જોડવી જોઇએ. આધાર સાથે જોડવાથી મતદાર એકથી વધુ જગ્યાએ મતદાન નહીં કરી શકે અને ડમી મતદાન થતુ અટકાવી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular