
જામનગર તાલુકાના કનસુમરા ગામના સાંઢિયા પુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં દારૂ બનાવવાની ફેકટર ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 59 બોટલ દારૂ અને કેમિકલ તથા વાહનો મળી કુલ રૂા. 8,23,000ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી નાશી ગયેલા બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતા.
દરોડાની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ વર્ષોથી ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. પોલીસ દ્વારા દરોડા પાડી દારૂની બદી ડામવા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ જેટલો દારૂ પોલીસ પકડે છે તેના કરતાં વધુ દારૂ તો યેનકેન પ્રકારે રાજ્યમાં ઘૂસાડવામાં આવતો હોય છે. તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરથી ગુજરાતમાં વધુ દારૂ ઘૂસાડવામાં આવતો હોવાનું ચર્ચાતું હોય છે. દરમ્યાન જામનગર તાલુકાના કનસુમરા ગામના સાંઢિયા પુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં આવેલા ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ચાલતી હોવાની એલસીબીના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બલોચ અને ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ અરૂણકુમાર ઉર્ફે કાલી સીતારામ સોની (નેપાળી, ઉ.વ.43, રહે. સેનાનગર પાછળ, જામનગર), મહિપાલસિંહ આશિષસિંહ રાણા (ઉ.વ.34, રહે. રામેશ્ર્વરનગર, ક્રિષ્નાપાર્ક, જામનગર), જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.25, રહે. રામેશ્ર્વરનગર, માટેલ ચોક, જામનગર) નામના ત્રણ શખ્સને દબોચી લીધાં હતા. આ ત્રણેયની પૂછપરછ કરતાં આલ્કોહોલ સ્પીરીટ, કેમિકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડની ફ્લેવર લાવવા માટેનું કલર પ્રવાહી પાણીની ટાંકીઓમાં મિશ્રણ કરી ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લૂ જીમ, મેકડોવેલ્સ નં. 1, કોન્ટેસા, વોડકા, રોયલ સ્ટગ, ઓફિસર્સ ચોઇસના ડુપ્લીકેટ વ્હીસ્કીના સ્ટીકર તથા બૂચો બનાવી દારૂ, પ્લાસ્ટીકની બોટલમાં ભરી અને ડુપ્લીકેટ દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મિટર થતા માપ દર્શાવતું બીકર ઉપયોગ કરી મશીનથી બોટલોના બૂચ સીલ કરી ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા હોવાની કેફિયત આપી હતી. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી આલ્કોહોલ સ્પીરીટથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેકટરી ચલાવતા હતા. ઉપરાંત 200 લીટર આલ્કોહોલ સ્પીરીટમાં ફલેવર કલર તથા કેમિકલનું વેચાણ કરી જુદી જુદી બ્રાન્ડના 600 બોટલનો દારૂ બનાવી નાખ્યો હોવાનું ખુલ્યું હતું.
એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન રૂા. 29,500ની કિંમતની 59 બોટલ દારૂ, રૂા. 3.20 લાખની કિંમતના આલ્કોહોલ સ્પીરીટ ભરેલા 800 લીટરના ચાર મોટા બેરલ, રૂા. 8 હજારની કિંમતનો ભેળસેળયુક્ત કેમિકલ, 2 હજારની કિંમતનો ઇંગ્લીશ દારૂમાં રંગ લાવવા માટેનું કેમિકલ 10 લીટર અને 84 હજારની કિંમતની 1200 બોટલ ફિનાઇલ તથા 3 લાખની કિંમતની કાર અને 60,500ની કિંમતના ચાર નંગ મોબાઇલ, 10 હજારની કિંમતનું દારૂની બોટલ સીલ કરવાના બે નંગ મશીન, બે હજારની કિંમતનું આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતું બીકર, રૂા. 10,920 નંગ દારૂની બ્રાન્ડ દર્શાવતા સ્ટીકર, 5000ની કિંમતની પ્લાસ્ટીકની પાણીની બે ટાંકી, દારૂ રાખવા માટેના 220 નંગ બોક્સ, 6600 નંગ ઇંગ્લીશ દારૂની બોટલના ઢાંકણા, 200 નંગ પ્લાસ્ટીકની ખાલી બોટલ, 2575 ઇંગ્લીશ દારૂ ભરવા માટેના પાઉચ તથા 100 નંગ દારૂના પુંઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકની સ્ટીકરની પટ્ટીઓ મળી કુલ રૂા. 8.23 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
તેમજ આ દારૂ બનાવવાની ફેકટરીમાં જામનગરના ગજેન્દ્રસિંહ જાડેજા અને રાજસ્થાન (જયપુર), (દારૂનું વેચાણ કરનાર), કિશનસિંઘ શેખાવત (સ્પીરીટથી ઇંગ્લીશ દારૂ બનાવનાર)ના નામ ખુલ્યા હતા. એલસીબીએ આ બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તથા ઝડપાયેલા અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની વિરૂઘ્ધ જોડિયા તથા સિટી સી ડિવીઝનમાં કુલ ચાર ગુના નોંધાયેલા છે. મહિપાલસિંહ આશિષસિંહ રાણા વિરૂઘ્ધ જામનગર સીટી ‘બી’ તથા જૂનાગઢમાં ‘બી’ ડિવિઝનમાં એક સહિત કુલ પાંચ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું. એલસીબી દ્વારા રેઇડ કરી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી લેવાતાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ એલસીબી પીઆઇ વી. એમ. લગારિયા તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.