ફેસબુક હવેથી તમે અન્ય વ્યક્તિ સાથે અપલોડ કરેલા ફોટાને ઓટો ટેગ નહીં કરે. આ અંગે ફેસબુક દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફેસબુક પર પોતાના ફાયદા માટે યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જે બાદ કંપનીએ પોતાની ઈમેજ સુધારવા માટે આ પગલું ભર્યું છે. ફેસબુકે કહ્યું છે કે તે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીને બંધ કરશે અને એક અબજથી વધુ લોકોના ફેસપ્રિન્ટ્સ કાઢી નાખશે.
ફેસબુકની નવી પેરેન્ટ કંપની મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિભાગના ડેપ્યુટી હેડ જેરોમ પેસેન્ટીએ મંગળવારે પોસ્ટ કરેલા બ્લોગ અનુસાર, “આ પગલું ટેક્નોલોજીના ઇતિહાસમાં ચહેરાની ઓળખના ઉપયોગ તરફ સૌથી મોટું પરિવર્તન હશે.ફેસબુકના એક તૃતીયાંશથી વધુ સક્રિય વપરાશકર્તાઓએ ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી સ્વીકારી છે અને તેમને ઓળખવામાં ફેસબુક સફળ રહ્યું છે.અને હવે એક અબજથી વધુ લોકોના ચહેરાની ઓળખનો ડેટા ડીલીટ કરવામાં આવશે.”
ફેસબુકની આ ટેક્નોલોજીનો વિરોધ કરવા પાછળનું સૌથી મોટું કારણ યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન અને બાયોમેટ્રિક માહિતી ફેસબુક પાસે હોવાનું હતું. જો કે, ગયા મહિને ફેસબુકના પૂર્વ કર્મચારી ફ્રાન્સિસ હોગેને ફેસબુકના આંતરિક દસ્તાવેજો લીક કર્યા હતા. જે પછી ફેસબુકનો ઘણો વિરોધ થયો હતો.