
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેહુલ સિનેમેકસથી લઇને બાયપાસ સુધીના માર્ગ પર વહેલીસવારે અને બપોરે તથા સાંજના સમયે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા અવિરત રહી છે. તેમાં પણ ખાસ કરીને આ માર્ગ પર થતા દરરોજના ટ્રાફિક જામથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા તો ખાડે ગઈ જ છે પરંતુ, પ્રવેશ દ્વાર ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યા ટ્રાફિક પોલીસના કારણે થતી રહે છે. આ માર્ગ પરથી પસાર થનાર શહેરીજનોને જામનગરમાં ટ્રાફિક પોલીસ તેની ફરજ ન નિભાવતી હોય તેવો અહેસાસ દરરોજ થતો રહે છે. આ બાયપાસ પર આમ તો ટ્રાફિક જામ વર્ષોથી થતો રહે છે પરંતુ, હાલમાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઇ છે ત્યારે આ ધોરીમાર્ગ પર આવેલી સ્કૂલોમાં પરીક્ષાના સેન્ટર હોવાના કારણે બોર્ડની પરીક્ષા આપતા પરિક્ષાર્થીના માતા-પિતાઓએ સ્કૂલે સમયસર પહોંચવા માટે ઘરેથી બે કલાક વહેલું નિકળવું પડે તેવી ટ્રાકિફ જામની સમસ્યા થઈ જાય છે. પરીક્ષાના સમયે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ માર્ગ પર ટ્રાફિક જામ અવિરત રહેતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીના માતા-પિતા અને પરિવારજનો ટ્રાફિક જામ અને પોલીસની બેદરકારીથી કંટાળી ગયા છે. આજે સવારે આ રોડ પર રાબેતામુજબ ટ્રાફિક જામની સમસ્યા થઈ ગઇ હતી. પરંતુ, ‘ખાટલે મોટી ખોટ’ હોય તેમ આ ટ્રાફિકજામમાં ફરજ રહેલો જવાન મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે તેને ટ્રાફિકજામ સાથે કોઇ લેવા-દેવા ન હોય તે રીતે બિંદાસ્ત વાતોમાં વ્યસ્ત છે.
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ જેવા સારા અને કડક અધિકારી હોવા છતાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અતિશય કથળેલી છે. જો કે, ટ્રાફિકજામ અને ટ્રાફિકનું સંચાલન ટ્રાફિક પોલીસની જવાબદારી રહેલી છે. પરંતુ શહેરના મુખ્ય રાજમાર્ગો પર પણ ટ્રાફિક પોઇન્ટ પર રહેલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના સમયે મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત જ જોવા મળતા હોય છે. પોલીસ અધિક્ષક પાસે શહેરીજનોની અપેક્ષા એવી છે કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું ચોકકસ અને યોગ્ય નિરાકરણ થાય તેમજ ખંભાળિયા બાયપાસ પર દરરોજ થતા ટ્રાફિક જામને અટકાવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લઇ એક પોલીસ કર્મચારીને બદલે વધુ પોલીસ કર્મચારીની ફરજ સોંપવામાં આવે તેવી લોકમાંગણી છે.