આજે દશેરા નિમિત્તે જામનગર શહેરમાં પણ લોકોએ મોટા પ્રમાણમાં ફાફડા અને જલેબીની ખરીદી કરી હતી. દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની પરંપરા છે. પૂજા વિધીના પ્રસાદમાં પણ ફાફડા-જલેબીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદમાં તો ફાફડા-જલેબી માટે રીતસરની તડી પડે છે. લોકો વહેલી સવારથી ખરીદવા માટે લાંબી કતારમાં ગોઠવાઇ જાય છે. ત્યારે જામનગરમાં ફાફડા-જલેબી ખરીદવાનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. ફરસાણની લગભગ તમામ દુકાનોમાં આજે સવારથી ગરમા-ગરમ ફાફડા-જલેબી બનાવવામાં આવી રહ્યાં છે. જે મોડીસાંજ સુધી સતત ચાલુ રહેશે.