જામનગરમાં ગુલાબનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રીજ નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં સિટી ‘બી’ ડિવિઝન તથા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકના પીઠ પાછળ ઉઝરડાં હોવાથી માર મારી હત્યા નિપજાવી હોવાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરતા દિવ્યાંગ યુવાનને ટ્રેનમાં બેસવા બાબતે થયેલી બોલાચાલીમાં બે શખ્સોએ યુવાનનો ચાલુ ટ્રેને ઘા કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં રેલવે પોલીસે એક હત્યારાને દબોચી લઇ નાશી ગયેલા બીજા હત્યારાની શોધખોળ આરંભી હતી.

હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર રેલવે ઓવરબ્રીજ નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે અજાણ્યા પુરૂષનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. જે અંગેની પોલીસમાં જાણ કરવામાં આવતા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફ તથા રેલવે પોલીસ વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પરથી મળી આવેલા આશરે 45 વર્ષના અજાણ્યા પુરૂષના શરીરે પીઠના ભાગે ઉઝરડાં જોવા મળ્યા હતા અને નાકમાંથી લોહી નીકળ્યું હતું. તેમજ મૃતકનું બ્લેક કલરનું પેન્ટ બાજુમાં પડેલ હતું. જ્યારે જાંબલી કલરનો શર્ટ પહેરેલ હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરતા મૃતક હિતેશભાઈ મિસ્ત્રી (ઉ.વ.35) અને વડોદરાના વતની હોવાનું ખુલ્યું હતું તેમજ હિતેશભાઇ સૌરાષ્ટ્ર એકસપ્રેસમાં પોરબંદરથી વડોદરા જવા માટે દિવ્યાંગ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો.
તે દરમિયાન જામનગરથી બે શખ્સો દિવ્યાંગ કોચમાં ચડયા હતાં પરંતુ બેસવા માટેની જગ્યા ખાલી ન હોવાથી હિતેશભાઈ મિસ્ત્રી નામના યુવાન સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ દિવ્યાંગ હિતેશને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધો હતો. જેમાં દિવ્યાંગ હિતેશને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. ગુલાબનગર રેલવેબ્રિજ નીચેથી યુવાનનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ થતા રેલવે પોલીસ પીઆઈ પી.બી. વેગડા તથા રાઈટર જયેશભાઈ સોલંકી, માલદેભાઈ વાળા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિપુરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ચૌહાણ, અજયસિંહ જાડેજા અને સહદેવસિંહ ઝાલા તથા સ્ટાફે સ્થળ પર દોડી ગયો હતો અને ત્યારબાદ પોલીસે મૃતકની ઓળખ મેળવી હત્યાના બનાવનો ભેદ ઉકેલી આ હત્યા નિપજાવવામાં હાજી અયુબ કટીયા નામના શખ્સની રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો તેમજ નાશી ગયેલા સદામ કાચડીયા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.