જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે દેવુ માફ કરી, ઘાસચારો, રાહત પેકેજ, વીજ બીલ માફી તથા સૌની યોજનાનું પાણી આપવા સહિતની માંગણીઓને લઇ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં નહિવત વરસાદ અથવા અપૂરતા વરસાદને કારણે ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ખેતીના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને પશુઓ માટે ઘાસચારાની તેમજ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઇ છે. ખેડૂતો અને માલધારીઓની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઇ છે. ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને પાયપાલ થતું અટકાવવા રજૂઆત કરાઇ છે. ખેડૂતોનું તમામ પ્રકારનું ખેતી વિષયક દેવુ અને તેના પરનું વ્યાજ માફ કરવા, ખેડૂતોને માલધારીઓને વિના મુલ્યે ઘાસચારો પુરો પાડવા, વિશેષ રાહત પેકેજ જાહેર કરવા જામનગર જિલ્લાના જળાશયો અને ચેકડેમો સૌની યોજનાથી ભરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વશરામભાઇ રાઠોડ, જામનગર વોર્ડ નં.12ના કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના અગ્રણીઓ, કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
View this post on Instagram


