કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતાં શ્રમિક પરિવારની તરૂણી લોખંડના સળિયા વડે જાંબુ તોડતી હતી તે દરમિયાન સળિયો ઈલેકટ્રીક તારમાં અડી જતાં વીજશોકથી મોત નિપજ્યું હતું. કાલાવડ ગામમાં કુંભનાથ પરા વિસ્તારમાં આવેલા યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા સાહેલીબેન ઈસલિયા બામણિયા નામની મહિલાની પુત્રી કેશાન બાંભણિયા (ઉ.વ.15) નામની તરૂણી મંગળવારે સવારના સમયે ખેતરમાં આવેલા જાંબુડાના ઝાડ પર ચડીને લોખંડના સળિયા વડે જાંબુ તોડતી હતી તે દરમિયાન લોખંડનો સળિયો ઈલેકટ્રીક વાયરમાં અડી જતાં વીજશોક લાગવાથી બેશુધ્ધ થઈ જતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. બનાવ અંગેની સાહેલીબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. બીજો બનાવ, કાલાવડ ગામમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ભુપતભાઈ બચુભાઈ વાઘેલા (ઉ.વ.37) નામના યુવાને સોમવારે સાંજના સમયે તેના ઘરે અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પંકજ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખરેડી ગામમાં જાંબુ તોડતા સમયે વીજશોકથી તરૂણીનું મોત
લોખંડનો સળિયો ઈલેકટ્રીક વાયરમાં અડી જતાં બનાવ : તરૂણીનું જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : કાલાવડમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત