લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતો યુવાન તેની પત્નીની સારવાર કરાવીને પરત ઘરે જતા સમયે લહેર તળાવ નજીક પુરપાટ આવી રહેલા ટેન્કરે બાઇકને પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આચવડ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં દિવ્યાબા યુવરાજસિંહ ગોહિલ (ઉ.વ. 30) નામની મહિલાની સારવાર કરાવવા માટે તેણીના પતિ યુવરાજસિંહ જશુભા ગોહિલ ગુરૂવારે બપોરના સમયે તેના જીજે03 એચજે 1498 નંબરના બાઇક પર જામનગર સારવાર કરાવીને પરત તેમના ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી પુરપા આવી રહેલા જીજે06 બીવાય 2155 નંબરના ટેન્કરચાલકે આગળ જતાં બાઇકને જોરદાર ઠોકરે મારતા દંપતિ બાઇક પરથી રોડ પર પટકાયું હતું. જેમાં યુવરાજસિંહને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજયું હતું. જ્યારે તેમના પત્ની દિવ્યાબાને માથાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટેન્કરચાલક તેનું ટેન્કર લઇ પલાયન થઇ ગયો હતો.
આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. પી. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા ટેન્કરચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


