જામનગરના દરબારગઢ બર્ધનચોક વિસ્તારમાં દબાણો હટાવવા તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બર્ધનચોકમાં હંગામી પોલીસચોકીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે સોમવારથી કાર્યરત થશે. જેમાં જામનગર મહાનગરપાલિકાના એસ્ટટ વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે.

જામનગર શહેરના દરબારગઢથી બર્ધનચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારોમાં રેંકડી-પથારાવાળાઓના દબાણોની વર્ષો જુની સમસ્યાને કાયમી માટે દૂર કરવા તંત્ર એલર્ટ બન્યું છે અને સમગ્ર રસ્તો ખુલ્લો રહે તે માટે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં 10 x 6 ફુટની હંગામી પોલીસચોકીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે નિર્માણ કાર્ય પુર્ણતાના આરે છે અને સોમવારના રોજ આ પોલીસચોકી કાર્યરત થઈ જશે. આ અંગે મળતી વિગત અનુસાર જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી તથા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસચોકી ખુલ્લી મુકવામાં આવશે ત્યારબાદ એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગને કર્મચારીઓ ફરજમાં જોડાશે સવારના 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી કર્મચારીઓ ફરજ બજાવશે અને આ વિસ્તારોમાં કોઇપણ પ્રકારના દબાણ સર્જાય નહીં તે બાબતે જવાબદારી સંભાળશે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દિક્ષીત, સુનિલ ભાનુશાળી, સિટી એ ના પીઆઈ એન.એ. ચાવડા સહિતના દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.