જામનગર-ખંભાળિયા માર્ગ પર એરપોર્ટ નજીક આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનના સ્ટોક મામલે ક્ષતિ હોવાની જાણના આધારે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ હોસ્પિટલમાં 22 રેમડેસિવીર ઈન્જેકશન સ્ટોકમાં હોવા છતાં સ્ટોક નીલ બતાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ મામલે આખરે પોલીસ દ્વારા ખુદ ફરિયાદી બની હોસ્પિટલના તબીબ સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કોરોના મહામારીમાં મજબુર દર્દીઓનો ગેરલાભ ઉઠાવી કાળો કારોબાર કરવામાં ખાનગી હોસ્પિટલો બેખોફ બની ગઈ છે અને દર્દીઓના સગા-વ્હાલાઓ આવા કારોબારનો ભોગ બનતા હોય છે. જેમાં જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનના સ્ટોકમાં ઘાલમેલ હોવાનું જણાતા પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને પોલીસ દ્વારા સંયુકત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકશનનો સ્ટોક ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ તપાસમાં હોસ્પિટલ પાસે 22 રેમડેસિવીર ઈન્જેકશન સ્ટોકમાં હોવાનું ખૂલતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. સમગ્ર તપાસ બાદ પ્રાંત અધિકારી દ્વારા આ હોસ્પિટલે જામ્યુકો સાથે કરાર કર્યા હોય જેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ દ્વારા આચરેલા રેમડેસિવીર ઈન્જેકશન કૌભાંડમાં લાગવગો અને ભલામણોનો દોર શરૂ થઈ ગયો હતો. જેથી આ મામલે ત્રણ-ચાર દિવસથી કોઇ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા ન હતાં. જેના કારણે લોકોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો. આખરે સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના રેમડેસિવીર ઈન્જેકશન કૌભાંડમાં પંચકોષી બી ડિવિઝનના એએસઆઈ કરણસિંહ જાડેજા એ ફરિયાદી બની આ મામલે હોસ્પિટલના સંચાલક તબીબ ડો. કે.ડી. કારિયા તથા અન્ય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં હોસ્પિટલના સંચાલક ડોકટર અને સ્ટાફ દ્વારા કોરોનાના જરૂરિયાતમંદ દર્દીને રેમડેસિવીર ઈન્જેકશન સરળતાથી મળી રહે તે માટેની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ, આ હોસ્પિટલના તબીબ ડો. કે.ડી. કારિયા તથા અન્ય સ્ટાફે સરકાર દ્વારા ફાળવેલા 22 રેમડેસિવીર ઈન્જેકશન સ્ટોકમાં હોવા છતાં સ્ટોક નીલ બતાવવામાં આવ્યો હતો અને આ ખોટી માહિતી સરકારમાં રજૂ કરવા બાબતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા દ્વારા કરવામાં આવી રહી છે.