Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સ્મૃતિસભા યોજાઈ

અમદાવાદમાં પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સ્મૃતિસભા યોજાઈ

- Advertisement -

‘પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના બીજાના ભલામાં આપણું ભલું મુજબ જીવીએ’ – પ.પૂ. મહંતસ્વામી મહારાજ
વિશ્વવંદનીય સંતવિભૂતિ અને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સૂત્રધાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનને તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ ૬ વર્ષ પૂર્ણ થયા. તેઓની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ અમદાવાદ મંદિરે સાંજે ૫:૩૦ થી ૮:૦૦ દરમ્યાન ‘મહંતસ્વામી રૂપે આજ મારો હાથ ઝાલ્યો છે…’ થીમ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિસભાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ભક્તો-ભાવિકો સહિત જીવંત પ્રસારણ દ્વારા લાખો ભક્તોએ સ્મૃતિ કરી હતી.

- Advertisement -

આકાશમાં જેમ સૂર્ય એક હોય છે, પરંતુ સૂર્યમાંથી નીકળતા કિરણો અનેક હોય છે. સમુદ્ર એક હોય છે, પરંતુ સમુદ્રમાંથી ઉડતી લહેરો અનેક હોય છે. તેવી જ રીતે પ્રમુખસ્વામી મહારાજ એક હતા પરંતુ તેમનામાંથી નીકળતા સદ્દગુણ અનેક હતા. વ્યક્તિ એક હતા પરંતુ વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં છવાયેલું હતું. ઉચ્ચ આધ્યાત્મિક ગુણોથી સંપન્ન આ મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે. તેઓની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ આયોજીત સ્મૃતિસભામાં સંતો અને સંગીતજ્ઞ યુવકોએ ધૂન, કીર્તન રજૂ કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજમાં રહેલા અનંત ગુણોની ગાથા ગવાઇ હતી. સાંપ્રત સમયે તે ગુણો પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના ખોળિયે જીવંત પ્રતીત થાય છે. આ થીમ ‘પ્રમુખસ્વામી મહંતસ્વામી રૂપે આજ…’ હેઠળ સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય ગુણોને નિરૂપતા પ્રવચનોની હારમાળા વિદ્વાન અને વરિષ્ઠ સંતોના મુખે રજૂ થઈ હતી. પૂ. વિવેકજીવન સ્વામીએ રસાળ શૈલીમાં ભક્તોના સુખ દુઃખના સંગાથી બનેલ પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ ઉપરાંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે એમના જીવનકાળ દરમ્યાન નિઃસ્વાર્થભાવે જનહિત માટે દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને ૧૮,૦૦૦થી વધુ ગામડાં-નગરોમાં કરેલ વિચરણની સ્મૃતિઓ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે દેશ-વિદેશમાં કુલ ૯,૫૦૦થી વધુ બાળ-યુવા કેન્દ્રો અને ૯,૦૦૦થી વધુ પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રો સ્થાપીને સૌનાં જીવનમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન કરી હજારો યુવાનોને રચનાત્મક માર્ગે વાળ્યા છે. તેમણે રચેલા સંસ્કૃતિધામ સમાન અક્ષરધામ આજે પણ ચારિત્ર્ય અને સંસ્કૃતિનું સિંચન અને ઘડતર કરી રહ્યા છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના ખોળિયે પણ પ્રમુખસ્વામી મહારાજની એવી જ પ્રતીતિ અનુભવાય છે જેની ગાથા વરિષ્ઠ સંત પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ રજૂ કરી હતી.
સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુવર્ય સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજનું આપણને સૌને મળેલ અનુપમ પ્રદાન એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ભેટ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિસ્તારેલાં વિરાટ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોનાં સૂત્રધાર તેમજ લાખો આબાલવૃદ્ધ ભક્તોના ગુરુદેવ તરીકે તેઓ સૌના વંદનીય આદર્શ બની સૌને ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીંધેલા આધ્યાત્મિક માર્ગે વેગ આપી રહ્યા છે.’ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમણે કરેલી દેશસેવા અને સમાજસેવાનું સ્મરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ યુવાપેઢીમાં અધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની સાથે દેશસેવા અને સમાજસેવાની ભાવના પણ જાગ્રત કરી છે.
ત્યારબાદ ઉપસ્થિત વરિષ્ઠ સંતોએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જ પ્રગટ સ્વરૂપ એવા પ.પૂ.મહંતસ્વામી મહારાજને પુષ્પમાળા અર્પણ કરી વધાવ્યા હતા. પ.પૂ.મહંતસ્વામીના હસ્તે સંસ્થાના સંગીતજ્ઞ સંતોના કંઠે ગવાયેલ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સ્મૃતિ ભજનો ‘પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા’ ધ્વનિ મુદ્રણ પ્રકાશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમણે કરેલી દેશસેવા અને સમાજસેવાનું સ્મરણ કર્યું હતું. તેઓએ દેશસેવા અને સમાજસેવાની ભાવના યુવાપેઢીમાં જાગ્રત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઉપલક્ષમાં દરેક હરિભક્તોને પોતાના નિવાસ સ્થાન પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અપીલ પણ કરવામાં આવી.

- Advertisement -

સ્મૃતિસભાના અંતભાગમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજને જન્મથી જ એવી ભાવના હતી કે, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ભલામાં આપણું ભલું. એમણે એમનું સમગ્ર જીવન આજ ભાવનાથી જીવી બધાને ભગવાનમાં જોડી સુખી કરી દીધા. તેઓએ સમાજ અને રાષ્ટ્ર માટે ઘણું કર્યું છે. હવે આપણો વારો છે કે એમણે ચિંધેલા માર્ગ પર અને એમની રૂચી મુજબ જીવી રાજીપો લઈએ.’ ત્યારબાદ સૌએ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને પુષ્પાંજલીથી વધાવ્યા હતા અને આરતીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. અંતમાં સૌ હરિભક્તોએ ડિસેમ્બરમાં ઉજવાનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો જયઘોષ કરીને સભાની પૂર્ણાહુતિ કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular