છોટીકાશી જામનગરમાં આગામી તા.11ના રોજ સંત શિરોમણી જલારામ બાપાની રરર મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવા જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં સતત રર વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ માટેના આયોજનને આખરી ઓપ આપવા રધુવંશી સમાજની બેઠક તાજેતરમાં લોહાણા મહાજનવાડી ખાતે મળી હતી જેમાં જલારામ જયંતિની ધામધુમપૂર્વક ઉજવણી કરવા વિસ્તૃત આયોજન ધડી કાઢવામાં આવ્યું છે.
જામનગર જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલની અખબારી યાદીમાં જણાવ્યાં મુજબ શહેરમાં તા.11 નવેમ્બરના આ ઉજવણીનો પ્રારંભ સવારે 8 વાગ્યે લોહાણા મહાજનવાડી ખાતે જલારામ બાપાના પૂજન સાથે થશે. એ પછી પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં ગૌ માતાને ધાસ તથા લાડવા આપવામાં આવશે. આ દિવસે કોવિડની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી સંખ્યાની મર્યાદા હોવાથી ફક્ત શહેરના સારસ્વત બ્રાદ્મણ જ્ઞાતિના સમૂહ ભોજન માસ્તાનનો કાર્યક્રમ સવારે 11 વાગ્યે લોહાણા મહાજનવાડીમાં આયોજીત કરાયો છે. એ પછી શહેરના જુદા – જુદા વિસ્તારોમાં પ્રસાદ રથ મારફત જલા બાપાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
આ ઉજવણી અંતર્ગત વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાં પરીભ્રમણ કરશે. સાધના કોલોની
ખાતેના જલારામ મંદિર ખાતેથી બપોરે 3 વાગ્યે પ્રારંભ થનારી શોભાયાત્રા પવનચકકી થઈ દિ.પ્લોટમાં જુની ઓશવાળ હોસ્પીટલ, ન્યુ સ્કુલ રોડ, ખંભાળીયા નાકા, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, રતનબાઈ મસ્જીદ, કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી નાકા, નોબત કાર્યાલય, પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજનવાડી થઈને વિભાજી હાઈસ્કુલ, ભીડભંજન મંદિર રોડ, લાલ બંગલા સર્કલથી સાત રસ્તા, ઓશવાળ સેન્ટર પાસેથી પસાર થઈને શરૂ સેકશન રોડ, બ્રુક બોન્ડ મેદાન પાસેથી પંચવટી, પટેલ કોલોની મેઈન રોડ, ડી.કે.વી.સર્કલ, જી.જી.હોસ્પીટલ રોડ, અંબર ચોકડી, જુના રેલ્વે સ્ટેશન પાસેથી હાલાર હાઉસ રોડ, સુભાષ બ્રિજ (વિકટોરીયા પુલ), રાજપાર્ક મેઈન રોડ, ગુલાબનગર રોડ પરથી રેલ્વે ઓવરબ્રિજ થઈને હાપા જલારામ મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ થશે જયાં સાંજે 7-30 કલાકે જલારામ બાપાની મહાઆરતી થશે.
જામનગર શહેરમાં જલારામ જયંતિ પ્રસંગે આયોજીત લોહાણા જ્ઞાતિના સમૂહ મહાપ્રસાદનો કાર્યક્રમ આ વર્ષે કોરોના મહામારીના અનુસંધાને અમલમાં રહેલી સરકારની માર્ગદર્શીકાને ધ્યાનમાં રાખીને મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું આ અખબારી યાદીમાં જીતુભાઈ લાલે જણાવ્યું છે.