દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ઘરોમાં સાફસફાઈના કામ કરતા હોય છે તેવા સમયે સુરતના વરાછા વિસ્તારથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં એક 55 વર્ષીય મહિલા મકાનની ગેલેરીમાં સાફસફાઈ કરતી વખતે અચાનક નીચે રોડ પર પટકાઈ હતી અને તેણીનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.
સુરતના વરાછામાં અનુરાધા સોસાયટીમાં રહેતા લલીતાબેન જોગાણી પોતાના ઘરની સાફસફાઈ કરતા હતા તે સમયે તેઓ અચાનક નીચે પડી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમણે માથાના ભાગે ઈજા પહોચી હતી અને ત્યાં હાજર રહેવાસીઓએ તેમણે તરતજ હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ ત્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં તેમજ સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.