શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે પણ દલાલ સ્ટ્રીટમાં બ્લડબાથ સર્જાયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળતાં રોકાણકારો હતાશ થયા હતા અને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આજે શેરબજાર ખુલતાં જ તેમાં 1010 થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 320 પોઈન્ટથી વધુનો કડાકો બોલાઈ જતાં રોકાણકારો નિરાશ થયા હતા અને સ્ટોક માર્કેટ કેપમાં મોટાપાયે ઘટાડો થયો હતો.

શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે ઇજઊ પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 385 લાખ કરોડ રહી હતી. 27 ફેબ્રુઆરીએ તે અંદાજે રૂ. 393 લાખ કરોડ હતો. અત્યાર સુધીની માહિતી અનુસાર ટોપ લૂઝર્સ શેર્સની વાત કરીએ તો ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર્સમાં 5થી 3 ટકા સુધીનો કડાકો નોંધાઈ ચૂક્યો છે અને આ તમામ સ્ટોક્સ નુકસાન સાથે ટ્રેડ થઇ રહ્યા છે. જ્યારે આવા કડાકાવાળી સ્થિતિમાં પણ ટોપ ગેનર્સમાં કોલ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, શ્રીરામ ફાઈનાન્સ અને ગ્રાસિમ જેવી કંપનીઓ રહી છે. બીજી બાજુ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ રેટમાં શુક્રવારે સવારે સેશન દરમિયાન ભારે દબાણ જોવા મળ્યું. આજે એપ્રિલ 2025ની એક્સપાયરી માટે સોનાનો વાયદાનો ભાવ 84,899 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું અને ઓપનિંગ બેલની અમુક જ મિનિટોમાં તે 84840 રૂપિયાના ઈન્ટ્રા ડેના લોને સ્પર્શી ગયો. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરી દીધી છે. જ્યારે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે. આ જાહેરાત બાદ એનવિડીયામાં રાતોરાત 8.5 ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે નેસ્ડેક પણ હચમચી ગયું હતું. જેની અસર આજે એશિયન બજારમાં જોવા મળી હતી અને હવે ભારતીય બજાર પણ ગગડી રહ્યું છે. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈમાં 2.81%, હોંગકોંગનો હેંગ સેંગમાં 2.27%, કોરિયાનો કોસ્પીમાં 3.08% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.88% ઘટ્યો છે.27 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો એ 556.56 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો એ 1,727.11 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 27 ફેબ્રુઆરીએ, અમેરિકાનો ડાઓ જોન્સ 0.45%ના ઘટાડા સાથે 43,239 પર બંધ થયો. જ્યારે જઙ 500 ઇન્ડેક્સ 1.59% વધીને 5,861 પર બંધ થયો હતો અને નેસ્ડેક 2.78% વધીને 18,544 પર બંધ થયો હતો.