લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતાં મજૂરી કામ કરતા મહિલા તેના ભાઈ સાથે ભેંસો ચરાવીને ઘરે જતાં હતાં ત્યારે ગામના જ શખ્સે ભેંસો રસ્તામાં આવે છે તેમ કહી બોલાચાલી કરી મહિલા ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા સાવિત્રીબેન જેઠાભાઈ નકુમ નામની મહિલા તેના મોટાભાઈ અશોક સાથે રવિવારે સાંજના સમયે ભેંસો ચરાવીને તેના ઘરે જતાં હતાં તે દરમિયાન પાછળથી આવતા મનસુખ રવજી સોનગરા (મોટી રાફુદડ) નામના શખ્સે મહિલાને કહ્યું કે ‘તમારી ભેંસો જયારે હોય ત્યારે રસ્તામાં હોય ત્યારે આડે આવતી હોય છે અને અમને નિકળવામાં તકલીફ પડે છે’ તેમ કહી મહિલા સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં બહેનને છોડાવવા વચ્ચે પડેલા અશોકભાઈને મનસુખે પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવની જાણ કરાતા હેકો એમ.કે. ગઢવી તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.