Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના સત્તાપક્ષ સામે સવા કરોડના ‘વહીવટ’નો આક્ષેપ

જામ્યુકોના સત્તાપક્ષ સામે સવા કરોડના ‘વહીવટ’નો આક્ષેપ

જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ મામલે 70 લાખ અને અન્ય એક બાંધકામ પ્રકરણમાં 50 લાખ ખંખેર્યા હોવાના વિપક્ષી સભ્યોના આક્ષેપથી સામાન્યસભામાં ભારે હંગામો : મામલો બિચકતાં મેયરે બોર્ડ આટોપી લીધું : વિપક્ષી સભ્યોએ મેયર ભાગેડુ હોવાના કર્યા સૂત્રોચ્ચાર

- Advertisement -

જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ મામલે તેમજ અન્ય એક બાંધકામ પ્રકરણમાં જામ્યુકોના સત્તાપક્ષે લાખોનો વહીવટ કર્યો હોવાના વિપક્ષી સભ્યોના આક્ષેપથી જામ્યુકોની સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. સામસામે થયેલી ઉગ્ર દલીલ અને આક્ષેપબાજી બાદ મેયરે આખરે બોર્ડની કાર્યવાહી આટોપી લીધી હતી. જો કે, આ દરમિયાન જામનગર શહેરની પાર્કિંગ પોલીસીને બહુમતિથી મંજૂરી આપી દેવામાં આવી હતી. જ્યારે વિપક્ષોએ પાર્કિંગ પોલીસી અંગે વિરોધ દર્શાવ્યો હતો.

- Advertisement -

મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને આજે સવારે ટાઉનહોલમાં જામ્યુકોની સામાન્સ સભા યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા અનુસાર જામનગર શહેરની પાર્કિંગ પોલીસી મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. જે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયાએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, હાલ કોઇપણ પ્રકારના પાર્કિંગ ચાર્જનું ભારણ પ્રજા ઉપર આવશે નહીં. જો કે, વિપક્ષી સભ્યોએ ચાર્જેબલ પાર્કિંગનો વિરોધ યથાવત્ રાખ્યો હતો. આખરે પાર્કિંગ પોલીસીને વિરોધપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી મંજૂર કરી દેવામાં આવી હતી. પોલીસીને આખરી મંજૂરી માટે હવે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

- Advertisement -

એજન્ડાની કાર્યવાહી બાદ શરુ થયેલી પ્રશ્ર્નોતરીમાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામે આવેલી દુકાનોની લીઝ મામલે ભાજપના કેટલાંક નેતાઓએ 70 લાખ જેવી માત્તબર રકમનો વહીવટ કર્યાનો આક્ષેપ કર્યો હતો. તો બીજીતરફ વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડે પણ શહેરના અન્ય એક બાંધકામના પ્રકરણમાં રૂા. 50 લાખનો જંગી વહીવટ થયાનો આક્ષેપ કર્યો હતો. જેમાં રૂા. 40 લાખ સત્તાપક્ષ અને 10 લાખ વિપક્ષના એક સભ્યને મળ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. વહીવટ અને ભ્રષ્ટાચારના આ બંને આક્ષેપોને લઇને સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. મેયર સહિતના સત્તાધિશો તેમજ ભાજપના કોર્પોરેટરોએ બંને સામે આક્ષેપો સાબિત કરી આપવાની ચેલેન્જ કરી ઉગ્ર દલીલબાજી કરી હતી. આ મુદ્દે સામાન્ય સભામાં મામલો બિચકતો જોઇને મેયરે સામાન્ય સભા તત્કાળ આટોપી લીધી હતી. જે સામે વિપક્ષી સભ્યો ભારે નારાજ થયા હતાં. ચર્ચા વગર જ સામાન્ય સભા આટોપી લેવાના નિર્ણય સામે વિપક્ષી સભ્યોએ સભાગૃહમાં જ મેયર ભાગેડુ હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતાં. તો વિપક્ષી કોર્પોરેટર જેનબ ખફીએ જ્યાં સુધી આ મુદ્દે ચર્ચા ન થાય ત્યાં સુધી ટાઉનહોલમાં જ ધરણા પર બેસી રહેવાની ઘોસણા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular