અરૂણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદને કારણે ભારે ભૂસ્ખલની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે-313નો એક હિસ્સો ધસી જતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ચીન સાથે જોડાયેલા દિબાંગ જિલ્લા પાસે રોઈંગ અને અનિનીનો જોડતા હાઈવેના એક ભાગને નુકસાન થતા દિબાંગ ખીણ જિલ્લા ઉપરની કનેક્ટિવિટી અને નીચેની કનેક્ટિવિટી વચ્ચેનો સંપર્ક પણ તુટી ગયો છે. આ ઉપરાંત ભૂસ્ખલનને કારણે હુનલી અને અનિની વચ્ચેના રસ્તાઓ પર પણ નુકસાન થયું છે.ભૂસ્ખલન અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, અરૂણાચલપ્રદેશમાં ગુરુવારે સવારે ભારે ભૂસ્ખલન સર્જાયું હતું, જેના કારણે દિબાંગ ખીણ તરફના ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ મામલે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ઘટનાનો તાગ મેળવ્યા બાદ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ એક વીડિયો શેર કરીને લખ્યું કે, ‘હુનલી અને અનિની વચ્ચેના હાઈવેને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ હોવાનું જાણી મને દુ:ખ થયું છે.
દિબાંગ ખીણ દેશના અન્ય ભાગોને જોડાયેલી હોવાથી વહેલીતકે કનેક્ટિવિટી શરૂ કરવા આદેશ જારી કરવામાં આવ્યા છે. એનિની એડિશનલ ડેપ્યુટી કમિશનર ધૂર્ભજ્યોતિ બોરાએ મીડિયાને જણાવ્યું કે, ‘દિબાંગ ખીણ સાથે જોડોયાલે રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ માટે શ્રમિકો અને જરૂરી મશીનરીઓ પણ તહેનાત કરી દેવાઈ છે. ટ્રાફિક શરૂ થવાના થોડા દિવસો લાગશે. એવું કહેવાય છે કે, સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. જિલ્લા વહિવટી તંત્રએ દિબાંગ ખીણના રહેવાસીઓને એક નોટિસ મોકલીને કહ્યું કે, રોઈંગ એનિની હાઈવે પરનું સમારકામ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. લોકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી રસ્તો શરૂ ન થાય અને વરસાદ સમાન્ય ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહે.