Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરપાથબ્રેકિંગ અને પારિવારિક મનોરંજક ગુજરાતી ફિલ્મ એટલે ‘ફુલેકુ’

પાથબ્રેકિંગ અને પારિવારિક મનોરંજક ગુજરાતી ફિલ્મ એટલે ‘ફુલેકુ’

સસ્પેન્સ, ટિવસ્ટ અને રોમાંચ થી ભરપુર ફિલ્મ : જામનગરના વતની ફિલ્મ નિર્માતા આલોક શેઠની સફળ ફિલ્મ

- Advertisement -

છેલ્લાં થોડા સમયથી ગુજરાતી ફિલ્મનો નવો ટે્રન્ડ શરૂ થયો છે. ગુજરાત ની નવી પેઢીઓ આ ફિલ્મો જોવા થીયેટર તરફ આગળ વધતી થઈ છે. ત્યારે એવીકે ફિલ્મ પ્રસ્તુત નિર્માતા આલોક શરદ શેઠ અને વિજય નેનશી શાહ તથા સહ નિર્માતા મોનાલી નિરજ સંઘવી અને કુનાલ રમેશ લાખાણી દ્વારા રજૂ થશે. એક પાથબે્રકિંગ અને પારિવારિક ગુજરાતી ફિલ્મ ‘ફુલેકુ’ લેખક અને દિગ્દર્શક ઈર્શાદ દલાલ અભિનય અનંગ દેસાઈ, અમિત દાસ, જિજ્ઞેશ મોદી અને મંજીરી મિશ્રાની ટીમ સાથે લોકોના દિલ પર રાજ કરી લીધું છે. આ ફિલ્મે ધમાકેદાર શરૂઆત થતા આ ફિલ્મને લોકોએ વખાણી છે.

- Advertisement -

માણસજાતમાં ધનની લાલસા એટલી હોય છે કે એ મેળવવા કોઈ પણ હદે જતા અચકાતો નથી. પૈસા પૈછળ એટલો ઘેલો થઈ જાય છે કે એને સંબંધ, લાગણી ઘર-પરિવાર વિશે કંઈ વિચારતો નથી. આ વાત એકદમ મનોરંજક રીતે નિર્માતા આલોક શેઠ અને વિજય શાહની ફિલ્મ ફુલેકુંમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મની વાર્તા રમકડાંની ફેક્ટરીના માલિક જયંતિલાલ મેઘાણી પરિવારની છે. ત્રણ પરિણીત પુત્રો અને એક કુંવારી દીકરી સાથે રહેતા જયંતિલાલને ધંધામાં ખોટ જાય છે અને તેમના પર પાંચ કરોડનું દેવું ચઢી જાય છે. બજારમાં તેમની શાખ પર પાણી ફરી વળે છે અને માર્કેટમાં ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે. સમાજ અને વેપારી જગતમાં થઈ રહેલી બદનામીને પગલે જયંતિલાલ અને તેમનાં પત્ની નર્મદા આપઘાત કરવા જાય છે. પરંતુ છેલ્લી ઘડીએ ઘરનો વફાદાર મૂગો પણ સાંભળી શકતો નોકર રમણિક તેમને આપઘાત કરતા અટકાવે છે. દર્શકો હજુ આ આઘાતમાંથી બહાર આવે છે ત્યાં તેમને જબરજસ્ત આંચકો લાગે છે. જેમના ઘરે ખાવાના સાંસા છે એવા જયંતિલાલને ત્યાં આવકવેરા ખાતાનો દરોડો પડે છે. ઘરમાં ઉંદર રહેતો હોય તો એ પણ ભૂખે મરી જાય એવી ઘરની પરિસ્થિતિ છે. આમ છતાં ઘરમાંથી આવકવેરાની ટુકડીને એવી વસ્તુઓ મળે છે કે ઘરના તમામ સભ્યો આભા બની જાય છે. ત્યાર બાદ એક પછી એક એવા ખુલાસાઓ થાય છે કે પળે પળે દર્શકોની આતુરતા વધતી જાય છે. મધ્યાંતર બાદ ફિલ્મમાં એક પછી એક એવી ઘટનાઓ બનતી રહે છે કે દર્શકોને વિચારવાનો પણ સમય મળતો નથી. અને ક્લાઇમેક્સમાં જ્યારે બધી વાતના ખુલાસા થાય છે ત્યારે લોકો વિચારતા થઈ જાય છે કે શું આવું પણ બની શકે?

મજાની વાત એ છે કે ફિલ્મમાં મોટાભાગના દૃશ્યોમાં તમામ કલાકારો એક જ સેટ પર એટલે કે જયંતિલાલના ઘરમાં જ જોવા મળે છે. બીજું, બધા આર્ટિસ્ટ એક જ કોસ્ચ્યુમમાં દેખાય છે. આમ છતાં ફિલ્મ ક્યાંય નબળી પડતી નથી. એક ઓર મજેદાર વાત, સમગ્ર ફિલ્મમાં ક્યાંય લવ એન્ગલ જોવા મળતો નથી. લેખક-દિગ્દર્શક ઇરશાદ દલાલે એક સુંદર અને સાફ-સુથરી ફિલ્મ આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળ પણ થયા છે. કલાકારોની વાત કરીએ તો ફિલ્મમાં અનંગ દેસાઈ સિવાય બીજા કોઈ સ્ટાર નથી. અભિનયની વાત કરીએ તો જયંતિલાલના પાત્રમાં અનંગ દેસાઈ છવાઈ જાય છે. જોકે સરપ્રાઇઝ આપી જતું હોય તો એ છે ફિલ્મનો હીરો અને આવકવેરા અધિકારી બારોટની ભૂમિકા ભજવનાર અમિત દાસ. મૂળ બંગાળી નાટકોનો કલાકાર એની પહેલી ગુજરાતી ફિલ્મમાં છવાઈ જાય છે. આવકવેરા અધિકારી તરીકેનો રૂઆબ, ભાષાને કારણે થતાં છબરડા, વચમાં આવી જતા લાગણીસભર દૃશ્યો બખૂબી નિભાવી જાય છે. જ્યારે બંગાળની અભિનેત્રી મંજરી મિશ્રાના ભાગે ખાસ કામ નથી પણ જયંતિલાલની પુત્રી તરીકે જ્યાં મોકો મળ્યો ત્યાં એની અભિનય ક્ષમતા દર્શાવી જાય છે. જ્યારે જિગ્નેશ મોદી, નર્મદા સોની, મનિતા મલિક તથા અન્ય કલાકારો પાત્રાનુસાર અભિનય કર્યો છે.

- Advertisement -

ફિલ્મમાં એક જ ગીત છે જે બેકગ્રાઉન્ડમાં વાગતું રહે છે. ઇરશાદ દલાલે લખેલા અને કૌશલ મહાવીરે સ્વરબદ્ધ કરેલાં ગીતના શબ્દો છે પાણીના રંગ જેવા, આ સંબંધ છે કેવા. સરળ શબ્દોમાં લખાયેલા આ ફિલોસોફિકલ ગીતને જાવેદ અલીએ એના સ્વરના જાદુ વડે આહલાદક બનાવ્યું છે.

અંતમાં એમ કહી શકાય કે ઉનાળાની અસહ્ય ગરમીમાં રિલીઝ થયેલી એવીકે ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ફુલેકું દર્શકોને માત્ર એન્ટરટેઇન્મેન્ટ એન્ટરટેઇન્મેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ આપીને મોજ કરાવી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular