ભાણવડની સરકારી કચેરીઓમાં આધારકાર્ડ સહિત વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો મેળવવાની કામગીરી ઘણા સમયથી બંધ પડી જતાં, તાલુકાભરની જનતાને ભારે હાલાકી પડે છે ત્યારે આવી જરૂરી કામગીરીને નિયમિત કરવા માટે એડવોકેટ રોહિતભાઇ માળિયાએ રાજયના મુખ્યમંત્રી સહિત જિલ્લા તાલુકાના વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખી રજુઆત કરી છે.
ભાણવડ તાલુકાની જનતાને સરકારી તંત્ર દ્વારા અન્યાય કરાઇ રહયાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરી અત્રે તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ સીહત 7-12ના દાખલાઓ મેળવવા માટેની કામગીરી ઘણા સમયથી બંધ પડી છે.આધારકાર્ડને સરકારી તંત્ર દ્વારા ફરજિયાત બનાવાયું છે. ડોકયુમેન્ટમાં તેનું ખૂબ મહત્વ છે. ત્યારે આવી જરૂરી કામગીરી બંધ પડી ગયા પછી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને આધારકાર્ડ વગર કામો અટકાઇ પડયા છે.
આ ઉપરાંત અત્રે તાલુકા પંચાયતમાં લોકોની સુવિધા માટે એ.ટી.વી.ટી. શાખા કાર્યરત હતી પરંતુ તે પણ લાંબા સયમથી બંધ હાલતમાં ફેરવાતા લોકોને કામગીરી માટે રઝળપાટ થયો છે.
હાલમાં આ કામગીરી તાલુકા સેવાદ સદન ખાતે થઇ છે, પરંતુ ત્યાં પણ કામગીરી કરવા માટે માત્ર એક જ ઓપરેટરથી ગાડું ગબડાવાઇ રહયું છે. કામ માટે લોકોની કતારો લાગે છે. લોકોની મુશ્કેલી નિવારવા સરકારી તંત્ર ધ્યાન આપતું નથી. જેથી લોકો રોષે ભરાયા છે.