જામનગર શહેરના વુલનમીલ ફાટક પાસે બે યુવકો ઉપર નજીવી બાબતે બોલાચાલી કરી ચાર શખ્સોએ એકસંપ કરી છરી અને મુંઠના ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ એક શખ્સને ચાબુક વડે આડેધડ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના વુલનમીલ ફાટક પાસે આવેલા સિધ્ધાર્થનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા ઋત્વીક ઉર્ફે રાહુલ સુરેશ વલણ અને વિજય ઉર્ફે વેગડો બુધવારની રાત્રિના સમયે કોમલનગર ઢાળિયા પાસે ઉભા હતાં તે દરમિયાન શેરસીંગ કોળી, બલુ બાવરી, સનિયો રાવળ, સાંઢીયો રાવળ નામના ચાર શખ્સોએ આવીને ઋત્વીકને અહીંયા નજીકમાં ગરબી ચાલુ છે તો તમે કેમ ગાળો બોલો છો ? ત્યારે ઋત્વીકે કહ્યું કે, અમે ગાળો બોલતા નથી. તો અમને શું કામ ગાળો આપો છો ? તે બાબતે બોલાચાલી થઈ હતી અને શેરસીંગે તેની પાસે રહેલી ઉંધી છરીના ઘા ઋત્વીકના માથામાં માર્યો હતો તથા સનિયાએ મુંઠ વડે માથામાં તથા છાતીમાં અને પેટમાં તથા સાંઢીયા રાવળે ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે બલુ બાવરીએ ચાબુક વડે ઋત્વીકને છાતીમાં, વાંસામાં અને પગમાં આડેધડ ઘા ઝીંકયા હતાં તેમજ વિજયને માથામાં, છાતીમાં, પગમાં, મુંઢ માર મારી બંનેને જાતિ વિષયક અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઘવાયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે ઋત્વિકના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.