જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા પાસે પૂરપાટ આવી રહેલી કારચાલકે યુવાનને ઠોકર મારી હડફેટે લેતા કાર નીચે દબાઈ ગયેલા યુવાનને રોડની સાઈડમાં લઇ જતા હતાં તે દરમિયાન અન્ય કારચાલકે ઠોકરે ચડાવતા અન્ય યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ કાર નીચે ચગદાઈ ગયેલા યુવાનનું મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગત રાત્રિના સમયે સોયલ ટોલનાકા પાસેથી રાત્રિના 10 વાગ્યાના અરસામાં પૂરપાટ આવી રહેલી જીજે-10-એપી-5158 નંબરની કારનાચાલકે અજાણ્યા યુવકને ઠોકર મારી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ચાલક કાર લઇ પલાયન થઈ ગયો હતો. બાદમાં ઘવાયેલા યુવાનને હસમુખભાઈ કગથરા સહિતના લોકો રોડ પરથી સાઈડમાં લઇ જતા હતાં તે જ દરમિયાન પુરપાટ આવી રહેલી જીજે-10-એપી-8365 નંબરની કારના ચાલકે હસમુખભાઈ કગથરાને હડફેટે લેતા યુવાનને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં વિચિત્ર ઘટના બની હતી જેમાં ઈજાગ્રસ્તને રોડની સાઈડમાં લઇ જતા યુવાનને અન્ય કારે ઠોકરે ચડાવ્યો હતો. ત્યારબાદ બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં અજાણ્યા યુવાનને કારે ચગદી નાખતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત હસમુખભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણના આધારે પીએસઆઈ આર. એચ. બાટવા તથા સ્ટાફે હસમુખભાઈ કગથરાના નિવેદનના આધારે બે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.