દ્વારકા તાલુકાના વરવાળા ગામથી નાળિયેર ભરી જામનગર તરફ જતા બોલેરો પીકઅપ વાહન કલ્યાણપુર નજીક ચરકલા રોડ પર પૂરઝડપે પસાર થતું હતું ત્યારે વાહન આડે કુતરુ ઉતરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું તેમજ ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા એક આસામીની વાડીએથી નાળિયેર ભરીને જામનગર તરફ જઈ રહેલા જી.જે. 10 ટી.એક્સ. 8917 નંબરનું બોલેરો પીકઅપ વાહન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર ચરકલા રોડ પર આવેલી એક હોટલ પાસેથી પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી આ બોલેરોના ચાલક જીતુભાઈ કંબોય (રહે. જામનગર) એ આ માર્ગ પર બોલરો આડે કૂતરું ઉતરતા ચાલક જીતુભાઈએ સ્ટીયરીંગ પરના ગુમાવી દીધો હતો. જેના કારણે આ વાહનમાં રોડની એક તરફ પલટી ખાઈ ગયું હતું.

આ અકસ્માતમાં બોલેરોના ઠાઠાના ભાગે નાળિયેરના જથ્થા પણ બેઠેલા રોહનભાઈ જયંતીભાઈ કંબોય નામના યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે નાળિયેરી પર બેઠેલા પ્રકાશભાઈ જાવાભાઈ વાળા તેમજ અજયભાઈ ભગાભાઈ વાળા નામના યુવાનોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ સમગ્ર બનાવવા અંગે પ્રકાશભાઈ વાળા (ઉ.વ. 21, રહે. નાવદ્રા, તા. કલ્યાણપુર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે જામનગરના જીતુભાઈ કંબોય સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.