કાલાવડ ગામ નજીક ધોરાજી રોડ પર વિજ બિલની ઉઘરાણી કરવા ગયેલા પીજીવીસીએલના કર્મચારીને ત્રણ શખ્સોએ એકસંપ કરી પાનની દુકાનમાં પુરી દઇ શટર બંધ કરી ગેરકાયદેસર અટકાયત કરી, હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલના કર્મચારીઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. સમયાંતરે કર્મચારીઓને માર મારવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે કાલાવડ ગામમાં ધોરાજી રોડ પર વધુ એક આવી ઘટના બની હતી. જેમાં ધોરાજી રોડ પર આવેલી સ્વિટ પાન નામની દુકાનમાં પીજીવીસીએલના વિદ્યુત સહાયક બચુભાઇ અને રાહુલગીરી ભરગીરી ગોસ્વામી નામના બંને કર્મચારીઓ વિજ બિલની ઉઘરાણી કરવા ગયા હતાં તે દરમિયાન નવાઝ બાબી, હુશેન બાબી અને જુનેદરાવ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી વિજબિલની ઉઘરાણી કરવા આવેલા રાહુલગીરીને સ્વિટ પાનની દુકાનની અંદર લઇ જઇ શટર બંધ કરી દીધું અને ત્યારબાદ ગેરકાયદેસર અટકાયત કરી બંને વિજકર્મીઓને જેમફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત રાહુલગીરીને કાચની સોડાબોટલનો ઘા મારી લોહી-લુહાણ કરી દીધો હતો અને હવે જો બિલ ઉઘરાવવા કે લાઇટ કનેકશન કાપવા આવશો તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી.
દરમિયાન આ ત્રણેય શખ્સોએ પીજીવીસીેએલના કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરી માર મારી ધમકી આપ્યાના બનાવ અંગેની જાણ કરતાં પીએસઆઇ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે બચુભાઇના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.