દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમમાં રહેતાં દંપતિ વચ્ચે પુત્રીને પેપર દેવાની બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતાં આધેડએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ માંડણભા માણેકની 8 વર્ષની પુત્રીને તેમણે પેપર દેવા જવાનું કહેતા તે પેપર દેવા જતી ન હતી. આ બાબતે માંડણભાને તેમના પત્ની સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે તેમને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ઘરમાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેમને સૌપ્રથમ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારઅર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગત્ તારીખ 26 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.