જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા પાસે ઓવરટેક કરવા માટે બે વખત સાઈડ આપવા છતાં બે શખ્સોએ વકીલ યુવાનની કાર રોકી કારને આંતરીને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી ફડાકા ઝીંકી જાતિ પ્રત્યે અપમાનિત કરી રોકડની લૂંટના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ, જામજોધપુર ગામમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતાં અને વકીલાત કરતા રાજેશ વસ્તાભાઈ મકવાણા નામનો યુવાન ગત તા.20 ના રોજ રાત્રિના સમયે તેની કારમાં ગીંગણી જકાતનાકા પાસેથી પસાર થતો હતો. ત્યારે પાછળથી આવતી જીજે-36-એફ-6174 નંબરની કારના ચાલકે હોર્ન વગાડી સાઈડ માંગતા વકીલે બે વખત સાઈડ આપી હોવા છતાં ઓવરટેક ન કરતા વકીલે કાર સાઈડમાં ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ પાછળથી આવી રહેલી કારે તેની કાર ઉભી રાખી હતી અને કારમાંથી ઉતરેલા અજય પટેલ અને અજાણ્યા બે શખ્સોએ વકીલ યુવાનને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવાનના ઘર પાસે આવી અપશબ્દો કહ્યા હતાં. તેમજ વકીલ જામનગર જતાં હતાં ત્યારે ત્રણ પાટીયા નજીક બંને શખ્સોએ કારમાં આવીને વકીલ યુવાનને ફડાકા મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી તેની પાસે રહેલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
બનાવ અંગે વકીલ રાજેશકુમાર દ્વારા જાણ કરાતા એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા અજય પટેલ સહિત બે શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી, લૂંટ અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.