જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અન્ડર 14 ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુર ખાતે અનુક્રમે પાંચ અને ત્રણ મેચની 30 30 ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મન્સ સાથે સીરીઝોમાં જીત મેળવી છે.
અન્ડર 14ની ટીમે જયપુર ખાતેની એસ.એચ.એસ. ક્લબ સાથેની 3 મેચની સીરીઝ કપ્તાન મિતરાજ જાડેજાની કેપ્ટનશીપ હેઠળ રમી હતી. જેમાં જામનગરની અંડર-14ની ટીમે બે મેચ જીતીને સિરીઝ અંકે કરી હતી. ત્રણ મેચની આ સિરીઝમાં વીર દુધાગરાના નોંધપાત્ર 85 રન હતા અને બોલર દિવ્યેશ ગહેડીયાએ છ વિકેટ લીધી હતી.
જ્યારે અન્ડર-12ની ટીમે દિલ્હીની યુએસસીઅ ક્લબ સાથે પાંચ મેચની સીરીઝ રમીને ત્રણ મેચ જીતી હતી. આ ટીમના કેપ્ટન વંશ સોલંકીએ ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ કરીને 223 રન કર્યા હતા તેમજ આઠ વિકેટો ઝડપી હતી. જ્યારે બેટ્સમેન હસિત ગણાત્રાએ બે સદી ફટકારવા સાથે કુલ 406 રન કર્યા હતા. અન્ડર-12ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડ એ તેમજ અન્ડર 14ની ટીમ સાથે યશ જોષીએ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. આમ જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય ક્લબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું.