ભાણવડના ત્રિવેણી નદી કાંઠે રાણપરડા પાટિયા નજીક એક વાડીમાં રાત્રીના સમયે એક મગરનું 3 ફૂટ જેટલું નાનું બચ્ચું આવી જતા તે જોઈ વાડી માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય ત્યારે તેઓએ ભાણવડના અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત સ્થળ પર એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન વિભાગના કર્મચારીઓ પહોંચી જઈ આ બાળ મગરને રેસક્યુ કરાયું હતું.

બાદમાં આ બાળ મગરને બાજુની નદીમાં તેના પ્રાકૃતિક આવાસમાં રીલિઝ કરી એક અબોલ જીવનો જીવ બચાવી માનવતાવાદી કાર્ય કરાયું હતું. આ સેવા કાર્યમાં એનિમલ લવર્સનાં રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટ, વિશાલ ભરવાડ અને વન વિભાગના મુકુંદભાઈ સોઢા, રામદેભાઈ કોટા અને અરજણભાઈ કરીર જોડાયા હતા. વળી સ્થળ પર રેસક્યુ જોવા ઉભેલા હાજર સ્થાનિકોને આવા દરેક સરીસૃપ જીવો આપણા દુશ્મન નહિ, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગી છે, જેથી એને ક્યારેય મારવા નહિ, તેમજ આજુ- બાજુમાં જોવા મળે તો વન વિભાગ કે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા અપીલ પણ કરાઇ હતી.