વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. તેઓ 11મી માર્ચના રોજ સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નિકળશે. એરપોર્ટથી લઈને ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે.
સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકા તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ બે લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. 12મી માર્ચના રોજ ગાંધીનગરના વલાદ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. સવારે 11 વાગ્યાની આસપાસ રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6.30 આસપાસ વડાપ્રધાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવશે.