લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટિયા પાસેથી પસાર થતાં બાઇકને પાછળથી આવી રહેલા ટ્રકે ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર પત્નીનું પતિની નજર સમક્ષ મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના જકેલા ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતાં અને ઇંટના કારખાનામાં મજૂરીકામ કરતા ગુમાનસિંગ સોમલા ભાભોર (ઉ.વ.35) નામનો યુવાન તેની પત્ની વસંતિ ગુમાનસિંગ (ઉ.વ.35) સાથે સોમવારે સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેના એમએચ37 ઝેડડી 4738 નંબરના બાઇક પર મેઘનુ ગામના પાટિયાથી સર પી.એન. રોડ ઉપર જતા હતા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ડબલ્યુ 5376 નંબરના ટ્રકના ચાલકે પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં દંપતિ રોડ પર પટકાયું હતું. જેમાં યુવાનને સામાન્ય છોલછાલ થઇ હતી. જ્યારે તેના પત્ની વસંતિબેનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતના બનાવ અંગે જાણ થતાં પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


