ગુજરાતમાં કોવિડના કેસમાં સતત થઇ રહેલા વધારાને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો અને વધુ માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.
આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513, રાજ્યની અન્ય મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યના તબીબી શિક્ષણ અમને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હૂકમ અનુસાર કોવીડ 19ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26-04-2021 સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-3ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.