જામનગર જિલ્લાના જોગવડ ગામના રાણીશિપ વિસ્તારમાં નવરાત્રિમાં રાસ રમતી બાળાઓના ફોટા પાડવાની બાબતે બોલચાલી બાદ સમાધાન થયા પછી ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર ધોકા અને પાઇપ સાથે આવી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો પરબતભાઇ ઉર્ફે પકો સોમાભાઇ મકવાણા (ઉ.વ.25) નામનો યુવાન નંદાણા ગામની મહાકાળી ગરબી મંડળનો સભ્ય હોય અને ગત્ નવરાત્રિમાં અરજણ પરમારનોે ભત્રીજો પરેશ ગગુ પરમાર (રહે. મેવાસા, તા. કલ્યાણપુર) નામનો શખ્સ નવરાત્રિ દરમ્યાન નંદાણા ગામમાં રાસ રમતી બાળાઓના ફોટા પાડતો હોય જેથી ગરબી મંડળના સભ્યો તથા પરેશના કાકા અરજણભાઇને પિતા ગગુભાઇ સાથે સમાધાન થયું હતું. આ બાબતનો ખાર રાખી રવિવારે સાંજના સમયે જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રાણીશિપ વિસ્તારમાં અરજણ પરમારે પરબત મકવાણા અને નાથાભાઇને ફોન કરી ઘરની બહાર બોલાવ્યા હતા. જ્યાં અરજણ પરમાર, હિતેષ પરમાર, રોહિત પરમાર, સંજય પરમાર નામના ચાર શખ્સોએ ધોકા અને પાઇપ સાથે આવી પરબતને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પરબતભાઇના નિવેદનના આધારે હે.કો. એસ. ડી. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


