Friday, November 6, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસતહેવારોની દોડધામમાં રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન: હેલ્ધી રહેવાની સ્માર્ટ અને સરળ ટિપ્સ

તહેવારોની દોડધામમાં રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન: હેલ્ધી રહેવાની સ્માર્ટ અને સરળ ટિપ્સ

ધનતેરસ અને દિવાળીના પવિત્ર તહેવારોની રોનક જ કંઈક અલગ હોય છે. બજારોની ચમક, ખરીદીની ધમાલ, ઘરની સાફ-સફાઈ અને મહેમાનોની આવનજાવ વચ્ચે આપણું આખું શેડ્યૂલ વ્યસ્ત થઈ જાય છે. સવારથી સાંજ સુધીની આ દોડધામમાં આપણે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઘણીવાર પોતાના શરીર અને સ્વાસ્થ્યને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. સોના-ચાંદી અને ઘરેણાં ખરીદવાના આ પવિત્ર દિવસે જો આપણે આપણા ‘તંદુરસ્ત સ્વાસ્થ્ય’ રૂપી અસલી ધનની કાળજી ન રાખીએ, તો તહેવારોની મજા ફીકી પડી શકે છે. એટલા માટે જ, આ તહેવારોમાં ઉત્સાહની સાથે-સાથે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

- Advertisement -

દોડધામ વચ્ચે બદલાતી દિનચર્યા અને સ્વાસ્થ્ય પર અસર:

  • તહેવારોમાં મોડી રાત સુધી જાગવું, વહેલા ઊઠી જવું અને સતત કામમાં વ્યસ્ત રહેવાને કારણે શરીર પર માનસિક અને શારીરિક થાક હાવી થઈ જાય છે.
  • અનિયમિત જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેનાથી તહેવારો પૂરા થતાંની સાથે જ શરદી, ખાંસી કે અશક્તિ જેવી સમસ્યાઓ ઘેરી વળે છે.

ખોરાક અને લાઈફસ્ટાઈલનું સંતુલન

  • બજારમાં મળતી તળેલી ચીજવસ્તુઓ અને વધુ પડતી ગળ્યા વસ્તુઓ સ્વાસ્થ્ય બગાડી શકે છે. તહેવારોની ઉજવણી કરો, પણ સાથે ખાણીપીણીમાં કાળજી રાખો:
  • ખાલી પેટ લાંબા સમય સુધી રહેવાને બદલે હળવો અને પૌષ્ટિક નાસ્તો કે ડ્રાયફ્રુટ્સ સાથે રાખો.તળેલા નાસ્તાની સાથે ફ્રેશ જ્યુસ, નારિયેળ પાણી કે હૂંફાળા પાણીનું સેવન વધારીને શરીરને હાઇડ્રેટ રાખો.

ઊંઘ અને માનસિક શાંતિની અનિવાર્યતા

  • દોડધામ ભરેલા માહોલમાં પણ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ શરીરને રીચાર્જ કરવા માટે ખૂબ જરૂરી છે.
  • ઉત્સવની ભીડભાડ અને અવાજ વચ્ચે થોડી ક્ષણો માટે શાંતિથી બેસવું કે મૌન ધારણ કરવું એ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટોનિક સાબિત થાય છે.

ડિજિટલ ડિટૉક્સ ખૂબ જરૂરી

  • આજના સમયમાં તહેવારોમાં સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરવા, શુભેચ્છાઓના મેસેજ મોકલવા કે રીલ્સ બનાવવા પાછળ કલાકો બગડે છે. આનાથી આંખો અને મગજ પર અણગમતી તાણ આવે છે.
  • તેથી, દિવસમાં થોડો સમય ફોનથી દૂર રહીને પરિવાર સાથે વાસ્તવિક (Real) ક્વોલિટી ટાઈમ વિતાવવો ખૂબ જ જરૂરી છે.

ગિફ્ટિંગમાં હેલ્ધી ટ્રેન્ડ અપનાવો

  • આજે લોકો પરંપરાગત મીઠાઈ કે ચોકલેટ આપવાને બદલે ડ્રાયફ્રુટ્સ, ઓર્ગેનિક ટી, હેલ્ધી હોમમેઇડ નાસ્તા કે હેલ્થ ગિફ્ટ હૅમ્પર આપવાનું પસંદ કરી રહ્યા છે.
  • આ નાનો બદલાવ આપણા અને આપણા સ્વજનોના સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક સાબિત થાય છે.

તહેવારો એ ખુશીઓ વહેંચવાનો અને આનંદ કરવાનો સમય છે, અને આ ખુશીઓનો આધાર આપણા નિરોગી શરીર પર જ ટકેલો છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની આરાધના કરતી વખતે એવો સંકલ્પ કરીએ કે આપણે માત્ર બાહ્ય ધન જ નહીં, પણ ઉત્તમ સ્વાસ્થ્ય રૂપી અસલી મૂડીને પણ સાચવીશું. યાદ રાખો, તંદુરસ્ત શરીર અને શાંત મન જ જીવનના સૌથી મોટા અલંકાર છે. આ તહેવારે સુંદર ઉજવણીની સાથે પોતાની સેલ્ફ-કેરને પણ પ્રાથમિકતા આપીએ.

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular