કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા રણછોડભાઈ ઉકાભાઈ પરમાર (ઉ.વ.43) નામના યુવાને તેની કૌશિક મોબાઈલ નામની દુકાનની સામે જાહેરમાં પતરાના છાપરા નીચે કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી કે કોઈપણ પ્રકારના લાયસન્સ પરવાના વગર ગેરકાયદેસર રીતે અલગ અલગ પ્રકારના સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ અંગે એસ.ઓ.જી. પોલીસે દરોડાની કાર્યવાહી કરી, અહીં ફાયર સેફ્ટીના સાધનો કે આ પ્રકારનો જરૂરી સામાન ન રાખીને લોકોની જિંદગી જોખમાય કે હાનિ થાય તેવી સંભાવના વચ્ચે બેદરકારી દાખવીને સ્ફોટક ફટાકડા રાખવા સબબ પોલીસે રૂ. 41,095નો મુદ્દામાલ કબજે કરી, દુકાનદાર સામે બી.એન.એસ. અને એક્સપ્લોઝિવ એક્ટની જુદી જુદી કલમ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી.


