જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા પાસેથી પસાર થતાં ટ્રકને આંતરીને તલાશી લેતાં ક્રૂરતાપૂર્વક લઇ જવાતી 45 ભેંસો મળી આવતાં પોલીસે ભેંસોને મુક્ત કરી પાંજરાપોળ મોકલી ટ્રક કબ્જે કરી ચાલક તથા ક્લિનરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ જોડિયા તાલુકાના કેશિયા ગામના પાટિયા પાસે પોલીસને જોઇ જીજે10 ટીવી 6012 નંબરનો ટ્રકચાલક અને ક્લિનર પલાયન થઇ ગયા હતા. પોલીસે પાર્ક કરેલા ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં 45 ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જવાતી હોવાનું જણાતા પોલીસે આ 45 ભેંસોને મુક્ત કરી પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ ટ્રક કબ્જે કરી ટ્રકચાલક તથા ટ્રકના ક્લિનર સહિતનાઓ વિરૂદ્ધ ગુનો નોંધી હે.કો. બી. એચ. લાંબરિયા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


