કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા હરભમભાઈ હંસરાજભાઈ (ઉ.વ.35) નામના યુવાનને વિશ્વાસમાં લઈ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામના રહીશ સાહર કરમશીભાઈ રબારીએ ફરિયાદી હરભમભાઈ પાસેથી તા. 21 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન સાત ભેંસો વેચાતી લીધી હતી. આ માટે કુલ રૂ. 3,20,000ની કિંમત મુકર્રર કરાયા બાદ આરોપીએ તેમને રૂ. 20,000 રોકડા આપ્યા હતા અને બાકીના રૂ. 3,00,000 તે રોકડા કે ગૂગલ-પે થી આપી દેશે તેમ કહી આ ભેંસ લઈ ગયો હતો. પરંતુ આશરે દોઢ માસ જેટલો સમય વીતી ગયા પછી પણ આરોપીએ ફરિયાદી હરભમભાઈને આપવાના થતા રૂપિયા ત્રણ લાખ ન ચૂકવી તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હરભમભાઈ ચારણની ફરિયાદ પરથી સાહરભાઈ રબારી સામે બીએનએસની કલમ 316 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


