સરકાર દ્વારા જાહેર કરાયેલ દિવાળી વેકેશનની તારીખોનું પાલન કરાવવા અને નિયમ વિરૂઘ્ધ વહેલી શાળાઓ શરૂ કરતા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે એનએસયુઆઇ જામનગર અને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન તા.5 નવેમ્બર 2026થી તા.25 નવેમ્બર 2026 સુધી જાહેર કરવામાં આવ્યું હોવાની જાણકારીના અનુસંધાને જામનગર જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા આ વેકેશનનો સમયગાળો ટૂંકો કરીને નિર્ધારિત સમય પહેલા શાળાઓ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
View this post on Instagram
જો આ શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનના સમયપત્રકનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય, તો તે બાબત ગંભીર છે. વેકેશનનો હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસના સતત દબાણમાંથી રાહત આપવાનો તેમજ તહેવાર દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવાની તક પૂરી પાડવાનો છે. શાળાઓ દ્વારા પોતાની રીતે વેકેશન ટૂંકાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જામનગર જિલ્લાની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન અંગેના સરકારી આદેશનું પાલન કરાવવા, વેકેશન પુર્ણ થાય તે પૂર્વે શરૂ થતી શાળાઓની તપાસ કરવા સરકારી નિયમો અને સુચનાઓનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને શાળાઓને વેકેશનની તારીખોનું પાલન કરવા સુચના આપવા માંગણી કરાઇ છે.
એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસ જામનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.


