કાલાવડ ગામના વ્હોરાવાડ વિસ્તારમાં એક્ટિવા ધીમુ ચલાવવાનું કહેતાં શખ્સે યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં ખાટકીવાડ વિસ્તારમાં રહેતાં અમીનભાઇ હુશેનભાઇ ચૌહાણ (ઉ.વ.24) નામનો યુવાન તેની દુકાન બંધ કરીને બાઇક પર ઘરે જતો હતો. તે દરમ્યાન વ્હોરાવાડ વિસ્તારમાં પહોંચ્યો ત્યારે એક્ટિવા પર પૂરપાટ આવી રહેલાં યુસુફ ઉર્ફે બદરૂ નુરુદ્દીન ચુનિયા નામના શખ્સને એક્ટિવા ધીમે ચલાવવાનું કહ્યું હતું. તેથી ઉશ્કેરાયેલા યુસુફે અમીનને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ગાળો કાઢવાની ના પાડતા યુસુફે અમીન પર છરીના આડેધડ ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા અમીનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફે યુસુફ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


