કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ દ્વારા દેશભરમાં ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વોટચોરી અને મતાધિકારની સુરક્ષાના મુદ્દે મધ્યપ્રદેશનાં પૂર્વ મંત્રી તથા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનાં નિરીક્ષક ડો. વિજયલક્ષ્મી સાઢોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં તેમણે મતાધિકારનું મહત્ત્વ સમજાવતાં લોકશાહી અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે નાગરિકોને જાગૃત થવા અપીલ કરી હતી.
ડો. વિજયલક્ષ્મી સાઢોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ દ્વારા દેશભરમાં ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પક્ષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચની કામગીરી તથા નાગરિકોના મતાધિકારની સુરક્ષાને લઈને સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મતાધિકારની સુરક્ષાનો મુદ્દો માત્ર કોંગ્રેસ પક્ષ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશના તમામ નાગરિકો અને સામાન્ય જનતા સાથે જોડાયેલો છે. લોકશાહીમાં દરેક નાગરિકનો મત મહત્ત્વ ધરાવે છે અને નાગરિકોને મળેલા મતાધિકારનું રક્ષણ કરવું જરૂરી છે.
જો નાગરિકોના મતની સુરક્ષા અંગે સવાલો ઊભા થાય, તો તેની અસર લોકશાહી પ્રક્રિયા અને નાગરિકોના અધિકારો પર પડી શકે છે. આથી મતાધિકારની સુરક્ષા અંગે જાગૃતિ લાવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડો. વિજયલક્ષ્મીએ દેશમાં લોકશાહીનાં મૂલ્યો, પ્રજાતંત્રની વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં લોકશાહી વ્યવસ્થાની જાળવણી અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે જનજાગૃતિ જરૂરી ગણાવી હતી. મતાધિકાર પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. નાગરિકોએ પોતાના મતનું મહત્ત્વ સમજવું જોઈએ અને લોકશાહી પ્રક્રિયામાં જવાબદારીપૂર્વક ભાગ લેવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, કોર્પોરેટર સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસ, યુવક કોંગ્રેસના હોદેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


