જામજોધપુર તાલુકાના જામવાડી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતાં યુવક યુવતી સાથે મેસેજ તથા ઓડિયો ક્લિપથી વાતચીત કરતો હોવાની બાબતે દંપતિ વચ્ચે થયેલા ઝઘડાનું મનમાં લાગી આવતાં યુવકે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આપઘાતના બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાનાપુર તાલુકાના સ્કૂલ ફળિયા ધામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં ભગવાનજીભાઇ ભાણવડિયાના ખેતરમાં મજૂરી કરતાં કિશોરભાઇ ચેનસિંહ અજનાર (ઉ.વ.24) નામનો યુવક કોઇ રિયાન્સી નામની છોકરી સાથે મોબાઇલમાં મેસેજ દ્વારા તથા ઓડિયો ક્લિપથી વાતચીત કરતો હતો. આ વાતચીત મામલે તેની પત્ની ગુડીબેનને જાણ થતાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું મનમાં લાગી આવતાં કિશનભાઇએ રવિવારે રાત્રિના સમયે તેના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગેની મૃતકની પત્ની ગુડીબેન દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઇ આર. એ. વાઘ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


