જામનગર શહેરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં બળજબરીપૂર્વક મકાન પડાવી લેવાની કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી માતા અને પુત્રએ વૃદ્ધને માર મારી મકાન તથા દુકાન ખાલી કરી નાખવા ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ડીફેન્સ કોલોની, શેરી નંબર એકમાં રહેતા અને જનરલ સ્ટોર્સ ચલાવતાં રજતુલબાનુ તાજમહમદ શેખ (ઉ.વ.70) નામના વૃદ્ધે ત્રણ માસ પહેલાં નૂરજહાંબેન જરારહુસેન શેખ સામે બળજબરીપૂર્વક મકાન પડાવી લેવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખી નૂરજહાંબેન શેખ તથા તેનો પુત્ર અબ્દુલ રઉફખાન શેખ નામના માતા અને પુત્રએ ગત્ તા. 20ના રોજ સવારના સમયે રજતુલબાનુ નામના વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી મકાન તથા દુકાન ખાલી કરી જતા રહેવાનું કહી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વૃદ્ધ દ્વારા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ એસ. એન. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


