જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં દીકરી સાળાની પુત્રી સાથે ગરબી રમવા જતી હોવાનું ન ગમતા બનેવીએ સાળાને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર વૃંદાવન સોસાયટી, શેરી નંબર ચારમાં રહેતાં પાલાભાઇ ઉગાભાઇ ચાવડા નામના યુવાનની બહેન છેલ્લા 6 વર્ષથી રિસામણે આવીને ભાઇની સાથે રહેતી હતી. તેમજ આ વખતે નવરાત્રિ દરમ્યાન યુવાનની દીકરીની સાથે તેમની બહેનની પુત્રી ગરબા રમવા જતી હતી. જે યુવાનના બનેવી નિલેશ કારા સાદિયા (રહે. બગવદર, જિ. પોરબંદર) ગમતું ન હતું. આ બાબતનું મનમાં રાખી ગત્ તા. 17ના રોજ બપોરના સમયે નિલેશ સાદિયાએ તેના સાળા પાલાભાઇના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની પાલાભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


