જામનગર જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલીત હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક દિનપ્રતિદિન વધી રહી છે અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. અત્યાર સુધીમાં 80 હજાર જેટલી મગફળીની બોરીની આવક થઇ છે.
જામનગર માર્કેટીંગ યાર્ડમાં નવા સિઝનમાં મગફળીની આવક દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે મગફળીની આવકના પ્રમાણમાં ખેડૂતોને ખુબ જ સારા ભાવ મળી રહયા છે. બીજી તરફ મગફળીમાં ખાસ કરીને 9 અને 66 નંબરની મગફળીની જ ખરીદીમાં ઉંચા ભાવ મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી તામિલનાડુથી વેપારીઓ મગફળી ખરીદી કરવા આવી રહ્યા ત્યારે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઉંચા ભાવ મળતા ખેડૂતો દિવાળીનો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવશે તેમ ખેડૂતો કહી રહ્યા છે.
જામનગર જિલ્લામાં આ વર્ષે ઓછા વરસાદના પગલે ખેડૂતોએ મગફળીનું વાવેતર જામનગર જિલ્લામાં ઓછું નોંધાયું છે. ત્યારે હાલ જામનગરના હાપા યાર્ડમાં નવી મગફળી આવી રહી છે. જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી આવક છેલ્લા 15 દિવસથી શરુ થઇ છે અને અત્યાર સુધીમાં 80 હજાર જેટલી મગફળીની બોરીની આવક જોવા મળી છે. ત્યારે શનિવારે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ખેડૂતને 1 મણ દીઠ રૂ.2300 થી રૂ.2400 બજાર ભાવ બોલતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ત્યારે ખેડૂતો આગામી દિવાળીનો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવશે તેમ ખેડૂત દ્વારા સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રની મગફળીની ગુણવત્તા સારી હોવાથી તામિલનાડુની ખેતીમા બીયારણ તરીકે ઉપયોગ માટે વેપારીઓ મગફળીની ખરીદી માટે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 થી 7 વર્ષથી ફરી રહ્યા છે. અને મગફળી ખરીદ કરી તામિલનાડુના વેપારીઓ ત્યાંના ખેડૂતોને આ બિયારણ તરીકે વહેંચશે. ખાસ કરીને નંબર-9 અને નંબર-66 મગફળીની જ ખરીદી તામિલનાડુથી આવેલા વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતોએ પણ આ વર્ષે 9 અને 66 નંબરની મગફળીનું વાવેતર કર્યું હોવાથી તેઓ હોંશે-હોંશે તેનું વહેંચાણ કરવા યાર્ડમાં આવે છે અને અન્ય ખેડૂતો પણ હાપા યાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળી લઈને વેચાણ અર્થે આવે વેપારીઓ જણાવી રહ્યાં છે.
View this post on Instagram
હાલાર પંથકના ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં મગફળી યાર્ડમાં વહેંચી રહ્યા છે, હાલ યાર્ડમાં મગફળીનો ભાવ સૌથી ઊંચો ભાવ છે. આમ ખેડૂતોને મગફળીનો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો દિવાળી પહેલા મગફળી વહેંચીને ખુશ થયા છે.


