જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં આંબેડકર વાડી બનતી હોય જેથી સમાજના આગેવાનોને ગામના 10 શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ટ્રેકટર વડે આંબેડકર વાડીની દીવાલ તોડી પાડી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી બાણુગાર ગામમાં આંબેડકર સમાજની વાડી બનાવવાનું કામ ચાલુ હતુ અને આ વાડી ન બનાવવા માટે ગામમાં રહેતાં રતુ ગામી, નિલેશ ગામી, સુરેશ ગામી, રમેશ ગામી, થોભણ ગામી, અંકિત ભેંસદડિયા, તુષાર ભેંસદડિયા, ટીના પટેલ, દીપુ રતુ અને અજાણ્યા સહિતના 10 શખ્સોએ ગઇકાલે બપોરે વાડી બનતા સ્થળે જઇ સમાજના આગેવાનોને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી ગુલશનભાઇ જાદવ નામના સમાજના આગેવાનને ધક્કો મારી પછાડી દઇ ઇજા પહોંચાડી હતી. તેમજ એકસંપ કરી નરેન્દ્રભાઇ રાજાભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત દીપ નામના શખ્સે ટ્રેકટર લઇ આંબેડકર વાડીની દીવાલ તોડી પાડી હતી. વાડીની દીવાલ તોડી પાડયા બાદ સમાજના આગેવાનોને મારી નાખવાની ધમકી આપી હતી.
મોટી બાણુગાર ગામમાં 10 જેટલા શખ્સોએ એકસંપ કરી આંબેડકર સમાજની વાડીની દીવાલ તોડી નાખી લોકોને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. હુમલો અને ધમકીના બનાવ અંગેની આશાબેન ગોપાલભાઇ જાદવ નામના મહિલાએ 10 શખ્સો વિરૂદ્ધ પંચ ‘એ’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી પીયૂષ વાંદા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


