ગુજરાતની વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમની અને એ-ગ્રેડની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026ની આજે યોજાયેલી મતગણતરી નાં અંતે ભાજપે 36માંથી 33 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 3 બેઠકો આવી છે. આમ, આમ આદમી પાર્ટીનાં તમામ 15 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે અને પક્ષનું ખાતું પણ ખુલ્યું નથી.
ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત તા. 11 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી વોર્ડ નં. 4ની ચારેય બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી. જ્યારે બાકીના 8 વોર્ડની 32 બેઠકો માટે ભાજપના 32, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 15 મળી કુલ 75 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે કુલ 33 બેઠકો પર વિજય મેળવી નગરપાલિકામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. કોંગ્રેસને 3 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓખા નગરપાલિકાની અગાઉની સામાન્ય ચૂંટણીઓમાં વર્ષ 2016માં ભાજપે 36માંથી 20 અને કોંગ્રેસે 16 બેઠકો મેળવી હતી, જ્યારે વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 34 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી હતી.
હવે વર્ષ 2026ના પરિણામોમાં ભાજપે 33 બેઠકો સાથે ફરી બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતી છે.


